1900 ગામ ડૂબ્યાં, 43ના મોત: પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21 હજાર લોકોને રેસ્ક્યૂ કરાયા

Latest News આરોગ્ય કાયદો દેશ

 પંજાબ હાલ કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. ધોધમાર વરસાદના કારણે પૂર આવતાં 43થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 1.71 લાખ હેક્ટરમાં ફેલાયેલો પાક બરબાદ થયો છે. 23 જિલ્લાના 1902 ગામ  પાણીમાં ગરકાવ થયા છે. લગભગ 3,84,205 લોકો અસરગ્રસ્ત થયા છે. પૂર પ્રભાવિત ક્ષેત્રોમાં અત્યારસુધી 20,972 લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે.

પંજાબના  મમહેસૂલ, પુનર્વસન અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી  હરદીપ સિંહ મુંડિયને જણાવ્યું કે, ભયાવહ પૂરના કારણે 23 જિલ્લાના કુલ 1902 ગામ પ્રભાવિત થયા છે. જેનાથી 3.84 લાખથી વધુ લોકોનું જીવન ખોરવાયુ છે. પૂર પ્રભાવિત ક્ષેત્રોમાં અત્યારસુધીમાં 20972 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 24 કલાકમાં વધુ છ લોકોના મોત થયા છે. આ સાથે 14 જિલ્લામાં મૃતકોની સંખ્યા વધી 43 થઈ છે.

હોશિયારપુરમાં સાત, પઠાણકોટમાં છ, બરનાલા અને અમૃતસરમાં 5-5, લુધિયાણા અને બઠિંડામાં ચાર-ચાર, ગુરદાસપુર અને એસએએસ નગરમાં બે-બે, પટિયાલા, રૂપનગર, સંગરૂર, ફાઝિલ્કા, અને ફિરોઝપુરમાં 1-1ના મોત થયા છે. પઠાણકોટમાં ત્રણ લોકો ગુમ છે. પૂર સંબંધિત આંકડા 1 ઓગસ્ટથી ચાર સપ્ટેમ્બર સુધીના છે. પંજાબમાં પૂરની તબાહીમાં ખેતરો તણાયા છે. 1.71 લાખ હેક્ટરમાં ઉભો પાક નષ્ટ થયો છે.  ગુરદાસપુર, અમૃતસર, ફાઝિલ્કા, કરૂરથલા, માનસામાં પાકને સૌથી વધુ નુકસાન થયુ છે.

આમ આદમી પાર્ટીના પ્રમુખ કેજરીવાલે કેન્દ્ર સરકારને પંજાબને મદદ કરવાની અપીલ કરી છે. કેજરીવાલે નિવેદન આપ્યું છે કે, કેન્દ્ર સરકારને અપીલ કરુ છું કે, તેઓ પંજાબમાં આવેલી આ કુદરતી આફતમાં થઈ શકે તેટલી મદદ કરે.

ગઈકાલે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારો અમૃતસર, ગુરદાસપુર, અને કપૂરથલાની મુલાકાત લીધી હતી. પૂરપીડિતોને આશ્વાસન આપ્યું હતું કે, આ સંકટની પળમાં કેન્દ્ર સરકાર તેમની સાથે છે. બે કેન્દ્રીય ટુકડી આ પરિસ્થિતિનું આંકલન કરવા પંજાબની મુલાકાત કરી રહી છે. તે આંકલન કર્યા બાદ કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપશે. તેમણે કહ્યું કે, સ્પષ્ટપણે નુકસાન દેખાઈ રહ્યું છે, પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયુ છે. ખેતરો ડૂબી ગયા છે. પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાએ અમૃતસર એરપોર્ટ પર શિવરાજ ચૌહાણને પૂરની સ્થિતિનો વિસ્તૃત રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં જાનમાલ, પાક અને માળખાગત સુવિધાઓને થયેલા નુકસાનની માહિતી આપવામાં આવી હતી.

AAP ના પ્રમુખ અરવિંદ કેજરીવાલે પણ કપૂરથલાના સુલ્તાનપુર લોધીમાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. કેન્દ્રને આ સંકટમાં પંજાબની મદદ કરવા અપીલ કરી હતી. તેમણે ચંદીગઢ સ્થિત પોતાના સત્તાવાર નિવાસ સ્થાન પર  રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માન સાથે પણ મુલાકાત કરી હતી. ભગવંત માન હાલ બીમારીથી પીડિત છે. તેમને તાવ આવી રહ્યો હોવાથી તે કેજરીવાલ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી શક્યા નહીં.

મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે, પૂરગ્રસ્ત ગામમાં ગેઝેટેડ અધિકારીની ટીમ તૈનાત કરવામાં આવી છે. જેથી પૂરપીડિત લોકોની સમસ્યા સરળતાથી વહીવટીતંત્ર સુધી પહોંચાડી શકાય. રાજ્ય સરકારે પૂરથી થયેલા નુકસાનનું આંકલન કરવા માટે ખાસ સર્વેક્ષણ કરવા આદેશ આપ્યો છે.

રૂપનગરના ઉપાયુક્ત વરજિત સિંહ વાલિયાએ નંગલ અને આનંદપુર સાહિબના અનેક ગામો ખાલી કરાવ્યા છે. સતુલજ નદીની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલવાની કામગીરી હાથ ધરાઈ હતી. ભાખડા બંધનું જળસ્તર સ્થિર છે. જેમાં ગઈકાલે 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. બંધનું જળસ્તર 1679 ફૂટ સુધી પહોંચ્યું છે. પાણીમાં 75000 ક્યુસેક સુધી પાણી છોડવામાં આવે છે. પરંતુ હાલ તેમાં વધારો કરી 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *