ગિરનાર સ્થિત અંબાજી મંદિરના નવા મહંતની નિમણુંક માટેની પ્રક્રિયા પણ વિવાદાસ્પદ બનતી જાય છે. ઉદાસી સંપ્રદાયના મહામંડલેશ્વર દ્વારા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે કે, તનસુખગીરીના નિધન બાદ જે ચાદરવિધી થઈ છે તે ગેરકાયદે પ્રક્રિયા છે. તનસુખગીરી બ્રહ્મલીન થયાને 10 મહિના જેટલો સમય થયો હોવા છતાં હજુ સુધી તેનો ભંડારો પણ કરવામાં આવ્યો નથી. માનવના મૃત્યુ બાદ તેમની પાછળ જે વિધી થાય તેને ક્રિયા કહે છે અને સાધુમાં તેને ભંડારો કહે છે. તનસુખગીરીની પાછળ ભંડારો કરવાને બદલે તેની જગ્યા લેવામાં અમુકને રસ હોવાના આક્ષેપ ઊઠી રહ્યા છે.
અંબાજીના મહંતના બ્રહ્મલીન થયા બાદ નવા મહંત મુદ્દે વિવાદ છેડાયો હતો. ત્યારબાદ તંત્ર દ્વારા વહિવટદારની નિમણુંક કરી દેવામાં આવી હતી. હવે વહિવટદાર દ્વારા નવા મહંતની નિમણુંક માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં ફોર્મમાં માંગવામાં આવેલી વિગતોને લઈ વિવાદ શરૂ થઈ ગયો છે. ઉદાસી સંપ્રદાયના મહામંડલેશ્વર અને પ્રભાસ-પાટણ સ્થિત નિરાળી ખોડીયાર મંદિરના મહંત બજરંગદાસ બાપુએ કલેક્ટરને રજુઆત કરી છે કે, હરીગીરી, ઈન્દ્રભારથી, બુદ્ધગીરી ત્રણેય સાધુ મળી પ્રેમગીરીને અંબાજીના મહંત તરીકેની ચાદરવિધી કરી હતી. જેમાં દશનામ સાધુ સમાજ, શ્રીમત જૂનાગઢ અખાડા, ગિરનાર મંડળના સાધુ સમાજે હાજરી આપી નથી.
દશનામ સાધુ સમાજ શ્રીપંત જૂનાગઢ અખાડાનો નિયમ છે કે, સોળસી ભંડારો કરવામાં આવે અને તેની પહેલા સાધુ સમાજની બેઠકનું આયોજન કરવામાં આવે છે. હજુ તો બ્રહ્મલીન તનસુખગીરીનો સોળસી ભંડારો જ થયો નથી, ત્યાં ચાદરવિધી કેવી રીતે થઈ શકે? પ્રેમગીરીની ચાદરવિધીને સાધુ સમાજ કાયદેસર ગણતો જ નથી એટલે ચાદરવિધીની પ્રક્રિયાને કેન્સલ ગણવા માંગ કરી છે. હવે પ્રેમગીરીને જો મહંત બનાવવામાં આવશે તો ગુજરાત-કચ્છ સાધુ સમાજ દ્વારા ઉપવાસ આંદલન કરવામાં આવશે. સ્થાનિક આગેવાનોની માંગણી છે કે, જે યોગ્ય હોય અને નિયમ મુજબ હોય તેવી જ રીતે મહંતની નિમણુંક પ્રક્રિયા કરવામાં આવે, તંત્રની ભૂલના કારણે સમગ્ર હિન્દુ સમાજ અને ધર્મના વડાઓએ આંદોલન કરવા પડે તે શરમજનક બાબત ગણાય. હવે તંત્ર કેવી નીતિ અપનાવે તે મહત્ત્વનું બની ગયું છે.
