અમેરિકાએ ભારતમાં લાગુ કરેલા ૫૦ ટકા ટેરિફનો અમલ શરૂ થઈ ગયો છે. તેની ચર્ચા આખા વિશ્વમાં થઈ રહી છે. તેનું કારણ એ છે કે અમેરિકા ભારતનું મહત્ત્વનું વ્યાપારિક ભાગીદાર છે. આમ છતાં ભારત પર ટ્રમ્પે લાદેલા ટેરિફે આખા વિશ્વને હેરાન કરી નાખ્યું છે. વિશ્વભરના મીડિયામાં તેની ચર્ચા છે. અમેરિકન ચેનલોએ પણ આ સમાચારને અગ્રતા આપી છે.
અમેરિકન પ્રસારણકાર સીએનએને જણાવ્યું છે કે ટેરિફ વિવાદના પગલે અમેરિકાએ ભારતને ગુમાવી દીધું છે. તેનું પરિણામ ઘણું ખરાબ આવશે. અમેરિકાઅ ે ભારતના સ્વરૂપમાં મોટો વ્યૂહાત્મક ભાગીદાર ગુમાવ્યો છે.રશિયન તેલ ખરીદવાને ટ્રમ્પે ભારત પર આ ટેરિફ લગાવ્યો છે.
બ્રિટિશ અખબાર ગાર્ડિયને ભારત પર ટ્રમ્પે ૫૦ ટકા ટેરિફ લગાવ્યો તેને બંને દેશ વચ્ચેના સંબંધોમાં અત્યાર સુધીમાં પડેલી સૌથી મોટી તિરાડ ગણાવી છે. એક વરિષ્ઠ ભારતીય વ્યાપાર અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે ટ્રમ્પે બધુ ગુમાવ્યું છે. બંને દેશ એકબીજાના મજબૂત વ્યૂહાત્મક ભાગીદાર બની રહ્યા હતા, પરંતુ હવે આ સંબંધ ભયમાં છે.
રોઇટર્સે જણાવ્યું હતું કે ૫૦ ટકા ટેરિફ અમલમાં આવતા વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશો અને વ્યૂહાત્મક ભાગીદારો વચ્ચે તનાવ વધી ગયો છે. પીએમ મોદીના ગૃહરાજ્ય ગુજરાત સહિત કેટલાય સ્થળોએ હજારો લોકોની નોકરીઓ જોખમમાં પડી શકે છે. ભારત ઇચ્છતુ હતુ કે અમેરિકન ટેરિફને ૧૫ ટકા સુધી સીમિત કરવામાં આવે, જે જાપાન, દક્ષિણ કોરીયા અને યુરોપીયન સંઘ પર લાગુ છે. પણ રાજકીય ગેરસમજ અને સંકેતોની અવગણના વચ્ચે મંત્રણા નિષ્ફળ રહી.આના પગલે આગામી દિવસોમાં બંને દેશ વચ્ચેના સંબંધ સુધરે તેવી સંભાવના ઓછી છે.
ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું હતું કે ભારત પર ૫૦ ટકા ટેરિફ અમેરિકાના સૌથી ઊંચા ટેરિફમાં એક છે. રશિયન તેલ ખરીદવાથી નારાજ થવાના પગલે ભારત સામે અમેરિકાએ આ પગલું ઉઠાવ્યું છે. અખબારે દાવો કર્યો કે ટ્રમ્પે મોદીને ચાર વખત ફોન કરી વાત કરવા પ્રયત્ન કર્યો, પરંતુ મોદીએ ફોન લીધો જ નહીં.
કતરની સરકારી ચેનલ અલ ઝઝીરાએ લખ્યું કે અમેરિકાના ૫૦ ટકા ટેરિફની ભારતીય ઇકોનોમી પર વિપરીત અસર પડશે. તેનું કારણ એ છે કે અમેરિકા ભારતનું નિકાસ બજાર છે. ૨૦૨૪માં ભારતે અમેરિકાને ૮૭ અબજ ડોલરથી પણ વધુનો સામાન વેચ્યો હતો. આ ટેરિફના લીધે ૪૮ અબજ ડોલરની નિકાસ પર અસર પડી શકે છે. ભારતીય અર્થતંત્રની વૃદ્ધિની ગતિ ધીમી પડી શકે છે.
