પોલીસ પર થાર ગાડી ચડાવી દઈ હત્યાનો પ્રયાસ!!!

Latest News અપરાધ કાયદો

હાલ તો રાજકોટ-જેતપુર હાઈવે પર સિક્સ લેનનું કામ ચાલું હોય અને ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે. ત્યારે ગઈકાલે જેતપુરમાં પોલીસ પર થાર ગાડી ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કર્યા બાદ કાર ભગાડી હતી. જે કારને પોલીસે પીઠડીયા ટોલનાકા પાસે દબોચી લીધો હતો.

કાર ચાલક પીધેલો હોવાનું સામે આવતાં તેની સાથે રહેલ મહિલાએ કાર દોડાવતા આરોપી પણ તેમાં બેસી ફરીવાર ત્યાંથી ભાગ્યા હતાં. જે બાદ બંનેને જીવન જોખમે વિરપુરમાંથી દબોચી લીધાં હતાં. રાજકોટના અંકિત પરમાર અને નયના નામની મહિલા સામે હત્યાનો પ્રયાસ, ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.

બનાવ અંગે રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં મહેશભાઈ સોઢાતરએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મહિન્દ્રા થાર ગાડી નં. જીજે-01-ડબલ્યુસી-0301 ના ચાલક અંકિત જયંતી પરમાર અને નયનાબેન (રહે. બંને રાજકોટ) નું નામ આપતાં જેતપુર તાલુકા પોલીસે હત્યાનો પ્રયાસ, ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ટ્રાફિક શાખામાં છેલ્લા ચારેક વર્ષથી ફરજ બજાવે છે.ગઈકાલે બપોરના ચાર વાગ્યાથી તેઓ એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા વનરાજભાઇ છૈયા સાથે ઇનોવા ઇન્ટરસેપ્ટર નં.જીજે. 18. જીબી.1338 માં ટ્રાફીક સબબ વાહન ચેકીંગની કામગીરી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની હદના ચોકી ધાર ચેક પોસ્ટ ખાતે કરતા હતા.

તે દરમ્યાન આશરે પાંચ વાગ્યેની આસપાસ જુનાગઢ તરફથી એક કાળા કલરની કાળા કાચવાળી મહિન્દ્રા થાર ગાડી ફુલ સ્પીડમાં આવતી હોય, જેથી તેને હાથના ઈશારાથી રોકવાનો ઇશારો કરેલ પરંતુ ફોરવ્હીલ ગાડી ઉભી રાખેલ નહી અને ગાડીના ચાલકે ફરીયાદીને મારી નાખવાના ઇરાદે તેમના ઉપર ગાડી ચડાવી જીવલેણ હુમલો કરતા તેઓ તુરંત જ સાઈડમાં હટી ગયેલ તેમ છતા  ફોરવ્હીલ ગાડીના ચાલકે પગના પંજા ઉપર તેના ફોરવ્હીલ ગાડીનું વ્હીલ ચડાવી પગના ગોઠણે મુંઢ ઈજા કરી નાસી ગયેલ હતો. અને આતે ગાડી જેતપુર તરફ ગયેલ હતી.

જેથી તેઓની સાથેના પોલીસ સ્ટાફના માણસો  સરકારી વાહન લઈ તે ગાડીનો પીછો કરતા પ્રથમ જેતલસર ચોકડી થઇ ત્યાર બાદ તત્કાલ ચોકડી ત્યાર બાદ ધારેશ્વર ચોકડી થઇ તેવામાં આ બનાવ બાબતે ફરીયાદી અને સાથેના સ્ટાફે પીએસઆઇને  જાણ કરેલ અને આ ગાડીની પાછળ પાછળ પોલીસની ગાડીના ચાલક રસ્તાના ટ્રાફીક બાબતનો ખ્યાલ કરી, પીઠડીયા ટોલનાકાએ પહોચી ગયેલ અને ત્યાં પીઠડીયા ટોલનાકે તે કાળા કલરની ફોરવ્હીલ ગાડી ઉભી રખાવવાનો ઇશારો કરતા આ ગાડી ઉભી રહી ગયેલ .

અને ત્યારબાદ આ ગાડીમાં બેસેલ ચાલકને નીચે ઉતારી નામ પુછતા પોતે પોતાનું નામ અંકીત પરમાર હોવાનું જણાવેલ તથા આ ગાડીની ડ્રાઇવર સીટની બાજુની સીટ ઉપર એક મહીલા પણ તેની સાથે હોય, જે બંન્નેને નીચે ઉતારી તપાસ કરતાં ચાલક કેફી પ્રવાહી પીધેલ હાલતમાં હોવાનું જણાતા તુરંત જ ગાડીમાં પડેલ બ્રેથ એનેલાઇઝરથી આરોપીનું મોઢું ચેક કરવા જતા તેને બ્રેથ એનેલાઈજર મશીનની નળીમાં થૂંકેલ અને ત્યારે આ ગાડીમા તેની સાથે બેસેલ મહીલા પોતે તુરંત જ ગાડીની ડ્રાઈવર સીટ ઉપર બેસી ગયેલ અને થોડી આગળ ચલાવી તેને આ આરોપીનું નામ લઈ બોલાવતાં તે શખ્સ પણ આ ગાડીમા ખાલી સાઇડ બેસી ગયેલ હતો અને આ ગાડી લઇ બંન્ને રાજકોટ તરફ ગાડી લઇ નાસી ગયેલ હતાં.

તે કાળા કલરની મહિન્દ્રા થાર ગાડી જેના નં.  GJ-01-WC-0301 લખેલ હોવાનું જણાતા સ્ટાફે ગાડી લઇ તે ગાડીનો પીછો કરેલ અને ત્યારે નેશનલ હાઇવે રોડ ઉપર સીકસ લેઇનનું કામ ચાલુ હોય, જેથી આ ગાડીની પાછળ અન્ય વાહનો આવી જતા તે ગાડી દુર જતી રહેલ અને પોલીસને શંકા ગયેલ કે, થાર ફોરવ્હીલ ગાડી વીરપુર ગામ તરફ  નજર ચુકવી જતી રહેલ હોય.

જેથી પોલીસનો સ્ટાફ ગાડી લઈ વીરપુર ચામુંડા ચોકમાં પહોચતા તે થાર ગાડી સામે આવી જતા તેના ચાલકે ફરીવાર ભાગવાની કોશીશ કરી અને પોલીસની ગાડી સામે ઉપર ચડાવવાનો પ્રયાશ કરતા તેઓ નાશી જાય તે પહેલા પોલીસ સ્ટાફે ગાડીને કોર્ડન કરી જરૂર પુરતો  બળ પ્રયોગ કરી, આ ગાડીમાંથી ગાડી ચાલકને ઉતારેલ હતો.

તે દરમ્યાન તેની સાથે બાજુમાં બેસેલ મહીલા  ગાળો દેવા બોલી દેકારો કરવા લાગેલ હતી. દરમિયાન પીએસઆઇ અને વિરપુર પોલીસના મહીલા પોલીસ કર્મચારી પર આવી જતા કાર ચાલક નશાની હાલતમાં હોય જેથી તેને વિરપુર પોલીસ મથકે લઇ આવેલ અને તેની સાથે બેસેલ મહીલાનું નામ પુછતા પોતાનું નામ નયનાબેન હોવાનું જણાવેલ હતું.

તેને પણ વિરપુર પોલીસ સ્ટેશન ખાતે લઇ આવેલ હતાં. જે બાદ ફરીયાદીને ઇજાઓ પહોંચી હોય જેથી તેમને 108 મારફત સારવારમાં વિરપુર બાદ  ગોંડલ દવાખાને ખસેડવામાં આવેલ હતાં.

રાજકોટના થાર ગાડીના ચાલક અંકિત પરમાર અને તેની સાથેની નયનાએ પોલીસને સતત 20 કિલોમીટર સુધી હંફાવી હતી. પોલીસની તપાસમાં બંને નશાની હાલતમાં હોવાનું પણ ખુલ્યું હતું.  પોલીસ પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યા બાદ આરોપી અંકિત પરમારે પ્રથમ ગાડી ભગાડી હતી.

જે બાદ પીઠડીયા ટોલનાકા પાસે તે પકડાઈ જતાં તેની સાથેની મહિલાએ કાર ચલાવી ભાગ્યા હતાં. જોવાનું તે રહ્યું કે હાલ નેશનલ હાઇવે પર સિક્સ લેનનું કામ ચાલુ હોય અને સતત ટ્રાફિક રહેતો હોય છતાં પોલીસને 20 કિલોમીટર સુધી દોડાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *