તાલુકાના ત્રણ ગામની રાશન શોપનાં લાયસન્સ સસ્પેન્ડ…

Latest News અપરાધ આરોગ્ય કાયદો
વિસાવદર તાલુકામાં સસ્તા અનાજનો જથ્થો કાર્ડધારકોને આપવામાં આવ્યો ન હોવાના ધારાસભ્યના આક્ષેપ બાદ પુરવઠા તંત્રની ટીમે તપાસ કરી હતી. જેમાં મોટી પીંડાખાઈના સસ્તા અનાજના વેપારી પાસે કાંકચીયાળા અને માંગનાથ પીપળીના વેપારીનો ચાર્જ હતો. આ ત્રણેય દુકાનમાં સસ્તા અનાજનો જથ્થો ઓછો હોવાનું સામે આવ્યું હતું. આથી આ ત્રણેય દુકાનના લાયસન્સ હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પુરવઠા વિભાગ દ્વારા નિવેદન લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. આગામી સમયમાં આ મામલે વધુ કાર્યવાહી થશે.

વિસાવદર તાલુકાના બે માસનો સસ્તા અનાજનો જથ્થો વેપારીઓને આપવામાં આવ્યો હતો પરંતુ અમુક ગામડાઓમાં એક માસનો જ સસ્તા અનાજનો જથ્થો આપવામાં આવ્યો હતો તે પણ ઓછો આપ્યો હોવાના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ આક્ષેપ કર્યો હતો અને પોલીસ સ્ટેશન ખાતે લોકોને સાથે રાખી ધરણા કર્યા હતા. બાદમાં પોલીસે કાર્યવાહી કરવાની ખાતરી આપતા આ મામલો થાળે પડયો હતો. ધારાસભ્યના આક્ષેપ બાદ પુરવઠા વિભાગની છ ટીમો દ્વારા વિસાવદર તાલુકાના ગામડાઓમાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં મોટી પીંડાખાઈ, કાંકચીયાળા અને માંગનાથ પીપળી ગામની સસ્તા અનાજની દુકાનમાં અનાજનો જે જથ્થો હોવો જોઈએ તેના કરતા ઓછો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ઈન્ચાર્જ જીલ્લા પુરવઠા અધિકારી કિસન ગરચરે જણાવ્યું હતું કે, દુકાનમાં જેટલો જથ્થો હોવો જોઈએ તેના કરતા ઓછો મળી આવતા આ ત્રણેય દુકાનના લાયસન્સ હાલ પુરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પુરવઠા વિભાગની છ ટીમ દ્વારા ૩૦૦ લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે હજુ આ પ્રક્રિયા જારી છે. નિવેદન સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમાં તથ્ય જણાયે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વિતરણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હાલ આ દુકાનોનો ચાર્જ અન્ય વેપારીને સોંપવામાં આવ્યો છે.

પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ મોટી પીંડાખાઈ ગામની સસ્તા અનાજની દુકાન મોહનભાઈ ડોબરીયાના નામે છે. તેની પાસે કાંકચીયાળા અને માંગનાથ પીપળી ગામની સસ્તા અનાજની દુકાનનો ચાર્જ હતો. આમ, આ ત્રણેય દુકાન એક વ્યક્તિના નામે ચાલતી હતી.

ધારાસભ્યના આક્ષેપ બાદ પુરવઠા તંત્રની તપાસથી ગેરરીતિ કરતા સસ્તા અનાજના વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. હાલ આ બાબત ચર્ચાનો વિષય બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *