અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં ૨૦ જાન્યુઆરીએ સત્તા પર આવ્યા પછી ગેરકાયદે વસાહતીઓની હકાલપટ્ટી શરૂ કરી હતી. ભારત વિરોધી વલણ અપનાવતા ટ્રમ્પે એટલા ગેરકાયદે ભારતીય વસાહતીઓની અપમાનીત કરીને અમેરિકામાંથી હકાલપટ્ટી કરી છે જેટલી પૂર્વ પ્રમુખ જો બાઈડેને ચાર વર્ષમાં નહોતી કરી. એક અહેવાલ મુજબ ટ્રમ્પે ૧૭૦૦થી વધુ ભારતીયોને અમેરિકામાંથી કાઢી મૂક્યા છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આ વર્ષે સરરેરાશ દરરોજ ૮ ભારતીયોને અમેરિકામાંથી કાઢી મૂક્યા છે. વર્ષ ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૪ વચ્ચે આ સંખ્યા સરેરાશ દૈનિક ૩ હતી. ભારતીય વિદેશ મંત્રાલયના આંકડા મુજબ જાન્યુઆરી ૨૦૨૦થી જુલાઈ ૨૦૨૫ના સાડા પાંચ વર્ષોમાં ૭,૨૪૪ ભારતીયોને અલગ અલગ કારણોથી અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવ્યા, તેમાંથી ૨૫ ટકા એટલે કે ૧,૭૦૩ ભારતીયોને ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળ્યાના છ મહિનામાં જ સ્વદેશ મોકલી દેવાયા હતા. અમેરિકામાંથી હાંકી કઢાયેલા ૧૭૦૩ ભારતીયોમાંથી ૧૫૬૨ પુરુષ અને ૧૪૧ મહિલાઓનો સમાવેશ થાય છે.
ટ્રમ્પ સરકારે ૨૦૨૫ની શરૂઆતથી જ વિઝા નીતિ આકરી બનાવી દીધી છે. ટ્રમ્પ સરકારે જૂનના અંતમાં ચેતવણી આપી હતી કે, અમે વિઝાધારકોની સતત તપાસ કરતા રહીએ છીએ, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તેઓ બધા અમેરિકન કાયદા અને વિઝા નિયમોનું પાલન કરી રહ્યા છે. તેઓ વિઝા કાયદાનો ભંગ કરતા હોય તો તેમના વિઝા રદ કરી દઈશું અને તેમને હાંકી કાઢીશું.
ભારતીય વિદેશ મંત્રાલયે સંસદમાં જણાવ્યું કે, ટ્રમ્પ સરકારે આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં જે ભારતીયોની હકાલપટ્ટી કરી તેમાંથી ૯૦ ટકા માત્ર પાંચ રાજ્યોના હતા, જેમાં પંજાબના ૬૨૦, હરિયાણાના ૬૦૪, ગુજરાતના ૨૪૫, ઉત્તર પ્રદેશના ૩૮ અને ગોવાના ૨૬નો સમાવેશ થાય છે. અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહારાષ્ટ્ર અને દિલ્હીના ૨૦-૨૦, તેલંગણાના ૧૯, તમિલનાડુના ૧૭, આંધ્ર પ્રદેશ અને ઉત્તરાખંડના ૧૨-૧૨ તથા કર્ણાટકના પાંચ ભારતીયોનો સમાવેશ થાય છે.
મંત્રાલયે ઉમેર્યું કે, આ વર્ષે હાંકી કઢાયેલા ૧૭૦૩ ભારતીયોમાંથી ૮૬૪ને વિશેષ ચાર્ટર અને સૈન્ય ફ્લાઈટમાં હાંકી કઢાયા હતા. અમેરિકન કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શને ૫, ૧૫ અને ૧૬ ફેબુ્રઆરીએ ૩૩૩ લોકોને ભારત પાછા મોકલ્યા હતા. અમેરિકન ઈમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટે ઈમિગ્રેશન અને નિષ્કાસન અભિયાનો મારફત ૧૯ માર્ચ, ૮ જૂન અને ૨૫ જૂને ચાર્ટર ફ્લાઈટ મારફત કુલ ૨૩૧ લોકોની હકાલપટ્ટી કરી હતી.
હોમલેન્ડ સુરક્ષા વિભાગે પણ ચાર્ટર મારફત ૫ અને ૧૮ જુલાઈએ ૩૦૦ લોકોને ભારત પાછા મોકલ્યા હતા. આસિવાય ૭૪૭ ભારતીયોને કમર્શિયલ ફ્લાઈટ મારફત પાછા મોકલાયા હતા જ્યારે પનામાથી પણ ૭૨ લોકોને ભારત રવાના કરાયા હતા.
