અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા છેડવામાં આવેલું ટેરિફ યુદ્ધ દિવસે ને દિવસે વધુ વિવાદાસ્પદ બની રહ્યું છે. ભારત સહિત અનેક દેશો પર આકરા ટેરિફ લાદીને ટ્રમ્પે અમેરિકાના અર્થતંત્રને મજબૂત બનાવવાનો દાવો કર્યો છે, પરંતુ તાજેતરના અમેરિકાની ‘યેલ યુનિવર્સિટી’ અને ‘સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા’ (SBI)ના સંશોધન દર્શાવે છે કે આ ટેરિફનો સૌથી મોટો આર્થિક ફટકો અમેરિકન નાગરિકોએ જ સહન કરવો પડશે. ટ્રમ્પના આ પગલાથી ફૂગાવો વધશે, ઘરગથ્થુ ખર્ચમાં વધારો થશે, નોકરીઓ ઘટશે અને સમગ્ર અર્થતંત્ર પર લાંબા ગાળે ઘાતક અસર જોવા મળશે.
યેલના અહેવાલ પ્રમાણે, ટ્રમ્પે લાદેલા ટેરિફનો બોજ દરેક અમેરિકન નાગરિક પર વાર્ષિક સરેરાશ 2,400 ડોલર (લગભગ રૂ. 2.1 લાખ) જેટલો પડશે. એમાંય ઓછી આવક ધરાવતા લોકોનો વધુ મરો થશે, કેમ કે એ લોકોને 1,300 ડોલર (લગભગ રૂ. 1.13 લાખ) જેટલું નુકસાન થશે. ઊંચી આવક ધરાવતા નાગરિકો માટે આ નુકસાન 5,000 ડોલર (લગભગ રૂ. 4.37 લાખ) જેટલું હશે. આવક ટકાના સંદર્ભમાં જોઈએ તો, ઊંચી આવક ધરાવતા નાગરિકોને થનારા નુકસાન કરતાં ઓછી આવક ધરાવતા અમેરિકનો પર પડનારો ‘બોજ’ ત્રણ ગણો હશે. આ નુકસાન દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે થશે.
ટેરિફને કારણે વર્ષ 2025 માં જ અમેરિકન તિજોરીને 167.7 બિલિયન ડોલર (લગભગ રૂ. 15 લાખ કરોડ)નો ફાયદો થશે, પરંતુ ચીજવસ્તુઓના ભાવ વધતા અમેરિકન નાગરિક મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ જશે. અમેરિકામાં ખાસ કરીને ચામડાના ઉત્પાદનો, કપડાં, કાર, ખાદ્ય પદાર્થો અને ઇલેક્ટ્રોનિક્સની કિંમતોમાં ભારે વધારો થવાની શક્યતા છે. ચંપલ અને હેન્ડબેગ જેવા ચામડાના ઉત્પાદનોના ભાવમાં 40% નો વધારો થશે. કપડાં 38% મોંઘા થશે. ખાદ્ય પદાર્થોના ભાવમાં 3.4% વધારો થઈ શકે છે. અન્ય ઉત્પાદિત વસ્તુઓ 7% મોંઘી થઈ શકે છે. કારના ભાવમાં 12.3% એટલે કે 5,900 ડોલર (અંદાજે રૂ. 5 લાખ) જેટલો ઉછાળો આવી શકે છે.
ટેરિફની નકારાત્મક અસર ફક્ત ખર્ચમાં જ નહીં, પણ નોકરીઓ પર પણ પડશે. યેલના અંદાજ મુજબ, માત્ર એક વર્ષમાં બેરોજગારીનો દર 0.30 % જેટલો વધે અને 5 લાખ લોકો નોકરી ગુમાવે એવી શક્યતા છે. અમેરિકાના જીડીપી વિકાસ દરમાં 0.5% નો ઘટાડો થવાની ધારણા છે. ટૂંકમાં, અમેરિકાને ગ્રેટ બનાવવા માટે લદાઈ રહેલો ટેરિફ અમેરિકા માટે આર્થિક રીતે ઘાતક સાબિત થઈ શકે એમ છે. અમેરિકાના ઇતિહાસમાં 1930 થી સરેરાશ ટેરિફ ફક્ત 18.4 ટકા રહ્યો છે અને લગભગ 95 વર્ષમાં પહેલી વાર આટલો ઊંચો ટેરિફ લાદવામાં આવ્યો છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના સંશોધન અહેવાલ મુજબ, ભારત વિશ્વના દેશોમાં જે કુલ નિકાસ કરે છે એમાંની 53 % નિકાસ ટોચના 10 દેશોમાં કરે છે, જેમાંનું એક અમેરિકા છે. એ હિસાબે જોઈએ તો ભારત માટે અમેરિકા એક મહત્ત્વપૂર્ણ નિકાસ બજાર છે. પરંતુ, ભારત 53 % પૈકીની ફક્ત 20 % નિકાસ અમેરિકામાં કરે છે. આમ, ભારતે નિકાસ બાબતે કોઈ એક દેશ પર એક હદથી વધુ નિર્ભર રહેવાને બદલે વૈવિધ્ય જાળવી રાખ્યું હોવાથી અમેરિકાના આકરા ટેરિફની અસર ભારત પર મર્યાદિત રહેશે.
