નેતાઓ અને ન્યાયાધીશોની ચામડી જાડી જ હોવી જોઈએ…

Latest News અપરાધ આરોગ્ય કાયદો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિવલિંગ પર બેઠેલા વીંછી સમાન હોવાની વિવાદાસ્પદ ટીપ્પણી બદલ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરને રાહત આપવાના સંકેત આપતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે, નેતાઓ અને ન્યાયાધીશોની ચામડી જાડી જ હોવી જોઈએ. આ સાથે તેમણે થરૂર વિરુદ્ધ માનહાનીનો કેસ કરનારા ભાજપ નેતાને પણ સવાલ કર્યો હતો કે તમે આટલા સંવેદનશીલ શા માટે છો?

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે વર્ષ ૨૦૧૮માં કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જ એક નેતાએ નરેન્દ્ર મોદીની સરખામણી ‘શિવલિંગ પર બેઠેલા વીંછી’ સાથે કરી હતી. થરૂરના આ નિવેદન અંગે ભાજપ નેતા રાજીવ બબ્બરે તેમના વિરુદ્ધ માનહાનીનો કેસ કર્યો હતો. ટ્રાયલ કોર્ટમાં આ કેસને રોકવાની માગ કરતા શશિ થરૂરે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે અરજી નકારી કાઢતા થરૂર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા.

ન્યાયાધીશો એમ.એમ. સુંદરેશ અને એન. કોટિશ્વર સિંહની બેન્ચે કહ્યું કે, છેવટે જાહેર જીવનમાં રહેતા લોકોએ આટલા સંવેદનશીલ ના હોવું જોઈએ. આવા નિવેદનોને મન પર ના લેવું જોઈએ. શશિ થરૂરે નવેમ્બર ૨૦૧૮માં બેંગ્લુરુ લિટરેચર ફેસ્ટિવલમાં કહ્યું કે, આરએસએસના જ એક નેતાએ પીએમ નરેન્દ્ર મોદીની સરખામણી શિવલિંગ પર બેઠેલા વીંછીં સાથે કરી હતી. થરૂરના આ નિવેદનથી વિવાદ સર્જાયો હતો. ભાજપ નેતા રાજીવ બબ્બરે ટ્રાયલ કોર્ટમાં માનહાનીનો કેસ કર્યો હતો.

ટ્રાયલ કોર્ટમાં કાર્યવાહી રોકવા થરૂરે ૨૯ ઑગસ્ટ ૨૦૨૪માં હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અંગે હાઈકોર્ટે કહ્યું કે તેમનું નિવેદન પીએમ મોદી અને આરએસએસની ગરમીને ઠેસ પહોંચાડનારું છે. આ આધારે હાઈકોર્ટે તેમના વિરુદ્ધ દાખલ કેસમાં કાર્યવાહી પર સ્ટે મૂકવાનો ઈનકાર કર્યો હતો. આ કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજદાર રાજીવ બબ્બર અને શશિ થરૂરને સલાહ આપી હતી કે, આ બાબતને ખતમ કરી દે. બેન્ચે કહ્યું કે, ચાલો આ બધું ખતમ કરીએ. આ બાબતો અંગે આટલા સંવેદનશીલ થવાની શું જરૂર છે? નેતાઓ અને ન્યાયાધીશોની ચામડી જાડી હોવી જોઈએ. જોકે, હાલ વકીલોએ જવાબ આપવા માટે સમય માગ્યો છે અને હવે આગામી સુનાવણીમાં કેસનું ભવિષ્ય નિશ્ચિત કરાશે. સુપ્રીમે આ કેસની વધુ સુનાવણી ૧૫ સપ્ટેમ્બરે નિશ્ચિત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *