12,852 મિલકતની નોંધ, 15 માસમાં વેરા પેટે રૂા. 2.45 કરોડની આવક…

Latest News અપરાધ આરોગ્ય કાયદો
સિહોર નગરપાલિકાના ચોપડે ૧૨ હજારથી વધુ મિલકત નોંધાઈ છે. મિલકત વેરા થકી છેલ્લા ૧૫ વર્ષમાં પાલિકાને અઢી કરોડ આસપાસની આવક થવા પામી છે. જો કે, આસામીઓની વેરા ભરવામાં આળસના કારણે આવક સામે બાકી લેણી રકમ ત્રણ કરોડથી પણ વધુ છે.

સિહોર શહેરમાં રહેણાંકની ૯,૬૦૯ અને કોમર્શિયલની ૩,૨૪૩ મળી કુલ ૧૨,૮૫૨ મિલકત નગરપાલિકાના રેકર્ડ ઉપર છે. આ મિલકતોનો વેરો દર વર્ષે અંદાજે સાડા પાંચ કરોડ નજીક થાય છે. પરંતુ મોટાભાગના આસામીઓ વેરો ભરતા ન હોવાના કારણે નગરપાલિકાની તિજોરીમાં વેરાની અર્ધી રકમ માંડ જમા થાય છે. ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના અંત (૩૧મી માર્ચ) સુધીમાં ન.પા.ને વેરા પેટે કુલ રૂા.૨,૧૧,૮૮,૦૦૦ની આવક થઈ હતી. તેની સામે રૂા.૩,૩૮,૧૬,૦૦૦ની રકમ બાકી છે. ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના એપ્રિલથી જુલાઈ માસ સુધીમાં વેરાની કુલ રૂા.૩૩.૧૬ લાખની આવક થવા પામી છે તેમ ટેક્સ ઈન્સ્પેક્ટર રાજુભાઈ ટીબલ્યાએ માહિતી આપતા જણાવ્યું હતું.

વેરાની રકમ સરકારી તિજોરીમાં જ જમા થતી હોવા છતાં ખૂદ સરકારી વિભાગો જ વેરો ભરવામાં આળસ કરી રહ્યા છે. બાકીદારોમાં નાગરિકો ઉપરાંત આઠ સરકારી કચેરીનો પણ સમાવેશ થાય છે. જેમની પાસે ૩૮.૧૩ લાખથી વધુની રકમનો વેરો વસૂલવાનો બાકી છે. સરકારી બિલ્ડીંગો જેમાં સિટી સર્વે કચેરીનો રૂા.૯,૨૩૨, આઈટીઆઈનો રૂા.૨૭૦, જૂની પ્રાંત અધિકારીની કચેરીનો રૂા.૨૬,૧૪૧, નવી પ્રાંત ઓફિસરની કચેરી (ઉપર)નો રૂા.૨૪,૭૨૬, તાલુકા પંચાયત કચેરીનો રૂા.૧૭,૦૦,૬૭૭, પથિકાશ્રમનો રૂા.૯,૧૯,૩૭૧, વિભાગીય નિયામક, એસ.ટી. કોર્પો.-ભાવનગરનો રૂા.૫૦ અને આરામગૃહનો રૂા.૧૧,૩૨,૬૬૪ મળી કુલ રૂા.૩૮,૧૩,૧૩૧નો વેરો બાકી હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *