નડિયાદમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ ઈંચથી પણ વધુ વરસાદ નોંધાયો હતો, જેના પગલે ગતરોજ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, સોમવારે મોટાભાગના વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસરી ચૂક્યા હતા. શહેરને પશ્ચિમ તરફ જોડતા મુખ્ય અન્ડરપાસ પૈકી ખોડિયાર અને શ્રેયસ અન્ડરપાસમાંથી પાણી ઓસરી જતાં ગતરોજ વાહનવ્યવહાર પુનઃ શરૂ થઈ ગયો હતો. નડિયાદના ઇતિહાસમાં પહેલી વખત એક સામટો ૧૧ ઈંચ જેટલો વરસાદ પડયો હતો અને માત્ર ૨૪ કલાકમાં જ બે અન્ડરપાસમાંથી ભરાયેલા વરસાદી પાણીનો સફળતાપૂર્વક નિકાલ થયો હતો. જોકે, માઈ મંદિર અન્ડરપાસ સહિત શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં હજી પણ પાણીનો ભરાવો યથાવત રહ્યો હતો.
ખેડા જિલ્લાના તાલુકા મથકો અને પરા વિસ્તારમાં રવિવાર અને સોમવાર દરમિયાન ક્યાંક ઝરમર તો ક્યાંક મુશળધાર વરસાદ વરસ્યો હતો. કઠલાલ, કપડવંજ, મહુધા, ઠાસરા, ડાકોર, ગળતેશ્વર, મહેમદાવાદ, માતર, ખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા આ તાલુકાઓને જોડતા ગામોનું ગ્રામ્ય જીવન પણ પ્રભાવિત થયું હતું. નડિયાદમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો, જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. કમિશનર જી.એચ. સોલંકીએ જણાવ્યું હતું કે, ગતરોજ નડિયાદ શહેર સહિત સમગ્ર ખેડા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ હતી અને આગામી બે દિવસ પણ હજુ વરસાદની આગાહી છે. આને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાવાસીઓએ નીચાણવાળા વિસ્તારોમાંથી સત્વરે ખસી જવું જોઈએ અને પાણીના વેળાઓમાંથી પસાર ન થવા માટે કમિશનરે અપીલ કરી હતી. સમગ્ર જિલ્લામાં પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, તલાટીઓ સહિત તમામ કક્ષાએ ડિઝાસ્ટર નોડલ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકામાં પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી અને તકેદારીના યોગ્ય પગલાં લેવામાં આવ્યા હતા.
નડિયાદમાં એક સાથે ૧૧ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાને કારણે હજી પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા હતા. સંતરામ મંદિર પાછળ આવેલ વીકેવી રોડ પર પાણી ભરાતા નાગરિકો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. આ સિવાય દેસાઈ વગા પાસે અનેક હોસ્પિટલ આવેલી છે, આ તમામ સ્થાને લોકોએ પાણી ઉલેચીને નીકળવાની મજબૂરી ઉભી થઈ હતી.
ખેડા જિલ્લામાં વરસાદને લઈ નિવાસી અધિક કલેક્ટર જે.બી. દેસાઈએ જિલ્લાના તમામ સંબંધિત વિભાગોના અધિકારી અને કર્મચારીઓને વ્યાપક સૂચનાઓ આપી હતી. હાલની ભારે વરસાદની પરિસ્થિતિમાં સુચારુ સંદેશાવ્યવહાર તેમજ તાકિદની બચાવ અને રાહતની કામગીરી કરવા માટે તાલુકા અને ગ્રામકક્ષાના તમામ સરકારી સ્ટાફને તેઓના હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.
ગતરોજ ખેડા જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈ ઘણા રસ્તા બંધ થઈ ગયા હતા જે ગતરોજ ધીમે ધીમે ખુલી રહ્યા હતા. પરંતુ હજુ જિલ્લામાં મહુધા તાલુકાના સીંગાલી નજીક ઠાસરા તાલુકામાં સાઢેલીથી ડભાલી તેમજ મહેમદાવાદ તાલુકાના સિહુજ જવાનો માર્ગ ગતરોજ પણ બંધ રહ્યા હતા.
નડિયાદ ફ્લડ કંટ્રોલમાંથી મળતી માહિતી મુજબ કપડવંજ તાલુકામાં વીજ કરંટ લાગતા એક બકરી અને એક ઘેટા એમ બે પશુના મોતની માહિતી મળી હતી. જોકે, જિલ્લામાં અન્ય કોઈ જગ્યાએ કોઈ જાનહાનિના બનાવ નોંધાયા ન હતા.
ખેડા જિલ્લામાં આ વર્ષે ચોમાસાએ મહેર વરસાવી છે, જ્યાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ ૭૪.૩૯ ટકા વરસાદ નોંધાયો છે. સમગ્ર ખેડા જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ ૬ ઇંચથી વધુ વરસાદ પડયો છે. ગત ૨૪ કલાક દરમિયાન, ખેડાના નડિયાદ તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૧૦.૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સાથે, નડિયાદ તાલુકો જિલ્લામાં સૌથી વધુ વરસાદ સાથે મોખરે છે, જ્યાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૧૧ ટકા વરસાદ એટલે કે ૪૦.૯ ઇંચ (૧૦૩૯ મિ.મી.) વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ખેડા જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સારો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૧ ટકાથી વધુ નોંધાયો છે, જેમાં ઉત્તર ગુજરાતમાં સિઝનનો ૬૫ ટકા વરસાદ પડયો છે.
નડિયાદમાં ચકલાસી ભાગોળથી મરીડા ભાગોળ તરફ જતા રસ્તા પર સલુણ બજાર પોલીસ ચોકીની બિલકુલ પાછળ જાહેર રોડ પર એક પીપળાનું ઝાડ ધરાશાયી થતા રસ્તો બ્લોક થયો હતો. ત્યારે સલુણ બજાર પોલીસ ચોકીના પોલીસ કર્મચારીએ તુરંત જ જાતે જ આ વૃક્ષ કાપી હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. તેમની આ કામગીરીમાં સ્થાનિક યુવાનો પણ જોડાયા હતા, જેના કારણે રસ્તો ઝડપથી ખુલ્લો થઈ શક્યો હતો.
