ફોન કરનારનું સાચું નામ મોબાઇલ પર દેખાશે : ટેલિકોમ સિસ્ટમનું સફળતાપૂર્વક પરિક્ષણ

Latest News ગુજરાત દેશ

ટૂંક સમયમાં મોબાઇલ વપરાશકર્તાઓ ફોન નંબર સાથે ફોન કરનાર વ્યક્તિનું સાચું નામ જોઈ શકશે. ટેલિકોમ સેવા કંપનીઓએ આ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે અને ટૂંક સમયમાં આ સુવિધા લાગુ કરવા માટે તૈયાર છે. આ નવી સિસ્ટમ લાગુ થયા પછી, જ્યારે કોઈ વ્યક્તિ ફોન કરશે, ત્યારે ફક્ત તેના KYC સાથે નોંધાયેલ નામ જ મોબાઇલ સ્ક્રીન પર દેખાશે. આનાથી વપરાશકર્તાને કોણ ફોન કરી રહ્યું છે તે ઓળખવામાં સરળતા રહેશે.

આનાથી તેઓ અજાણ્યા અને શંકાસ્પદ કોલ્સને ઓળખી શકશે અને ટાળી શકશે. આ સુવિધા ખાસ કરીને સ્પામ કોલ, ટેલિમાર્કેટિંગ કોલ અને છેતરપિંડીના પ્રયાસોને ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે. નોંધનીય છે કે, ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇએ છેતરપિંડી અને સ્પામ કોલ્સને રોકવા માટે આ વર્ષે આ સિસ્ટમ લાગુ કરવાની ભલામણ કરી હતી. સરકારે એપ્રિલમાં તેના ટ્રાયલ માટે સૂચનાઓ આપી હતી. સરકાર ઇચ્છે છે કે ટેલિકોમ પ્રોવાઇડર કંપનીઓ તેને શક્ય તેટલી વહેલી તકે લાગુ કરે.

કંપનીઓએ તેના સફળ ટ્રાયલ સાથે તેના પર જરૂરી ટેકનિકલ તૈયારીઓ પણ કરવામાં આવી છે. કંપનીઓ માને છે કે આ પગલું દેશમાં સાયબર ગુના અટકાવવામાં મદદ કરશે. આ ઉપરાંત, તે સ્પામ કોલ અટકાવવામાં પણ મદદ કરશે. એક સર્વે મુજબ, 60 ટકા લોકોને એક દિવસમાં લગભગ ત્રણ સ્પામ કોલ આવે છે. ટ્રાઈનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં સ્પામ કોલ દ્વારા ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અત્યાર સુધી, ફક્ત અન્ય કંપનીઓની મોબાઈલ એપ્સ જ કોલ કરનારનું નામ બતાવતી હતી પરંતુ તે નામ સાચું છે કે નકલી તે જાણી શકાતું નથી. ઘણી વખત ફોન પર ખોટું નામ દેખાય છે. આ ઉપરાંત, આવી એપ્સ પર ગ્રાહકોના ડેટા સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે. આવી સ્થિતિમાં, ટેલિકોમ કંપનીઓની નવી સિસ્ટમ લાગુ થયા પછી, મોબાઈલ યુઝરને થર્ડ પાર્ટી એપની જરૂર રહેશે નહીં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *