ચાર યુનિવર્સિટીમાં મેડિકલ કોર્સ ન કરવા તાકીદ, NMCની ગાઈડલાઈન…

Latest News અપરાધ કાયદો દેશ

નેશનલ મેડિકલ કમિશન દ્વારા વિદેશની યુનિ.ઓમાં મેડિકલ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને લઈને ફરી એકવાર ગાઈડલાઈન જાહેર કરાઈ છે. જેમાં ખાસ કરીને બેલિઝ અને ઉઝબેકિસ્તાનની ચાર યુનિવર્સિટીઓમાં મેડિકલ અભ્યાસમાં પ્રવેશ ટાળવા કે ન લેવા માટે તાકીદ કરવામાં આવી છે. કારણકે આ યુનિ.ઓમાં ઊંચી ફીથી માંડી ભારતીય મેડિકલ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ મુજબની ક્લિનિકલ ટ્રેનિંગ ન હોવા સાથે વિદ્યાર્થીઓની હેરાનગતિ વધારે છે. આ ઉપરાંત કમિશને ખાસ નોંઘ્યુ છે કે ભારતીય માપદંડો મુજબ અભ્યાસ ન હોવા છતાં પણ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં મેડિકલમાં અભ્યાસ માટે જઈ રહ્યા છે.

નેશનલ મેડિકલ કમિશને વિદેશ મેડિકલ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને લઈને તાકીદ કરતા જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ વિદેશની યુનિ.ઓમાં પ્રવેશ લેતા પહેલા ભારતના ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ લાઈસન્સિએટ 2021ના નિયમો મુજબના માપદંડોની પૂર્તતા છે કે નહીં તેની ખાસ ખાત્રી કરી લે. જેમાં કોર્સનો સમયગાળો (ડ્યુરેશન), મીડિઅમ ઓફ ઈન્સ્ટ્રકશન (અભ્યાસનું માઘ્યમ), સીલેબસ અને કરિક્યુલમ, ક્લિનિકલ ટ્રેનિંગ અને ઈન્ટર્નશિપ અથવા ક્લર્કશિપ કઈ રીતના છે અને શું આયોજન છે તેની ચકાસણી કરી લેવામાં આવે. વારંવારની આ એડવાઈઝરી છતાં પણ ધ્યાને આવ્યુ છે કે અનેક ભારતીય વિદ્યાર્થીઓ વિદેશની એવી યુનિ.ઓમાં મેડિકલ અભ્યાસ કરી રહ્યા છે કે પ્રવેશ લઈ રહ્યા છે કે જ્યાં ભારતના નિયમો-માપદંડો મુજબ પૂર્તતા થતી નથી.

તાજેતરમાં મેક્સિકો ખાતેની ઈન્ડિયન એમ્બેસી અને વિદેશ મંત્રાલયના યુરેસિયા ડિવિઝન દ્વારા મેડિકલ સંસ્થાઓમાં અભ્યાસને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સેન્ટ્રલ અમેરિકાના મેક્સિકો નજીક આવેલા બેલિઝની સેન્ટ્રલ અમેરિકન હેલ્થ એન્ડ સાયન્સીસ યુનિવર્સિટી, કોલંબસ સેન્ટ્રલ યુનિવર્સિટી અને વોશિંગટન યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સીસમાં તેમજ મઘ્ય એશિયાના ઉઝબેકિસ્તાનની ચિરચિક બ્રાંચ ઓફ તાસ્કેન્ટ સ્ટેટ મેડિકલ યુનિ.માં મેડિકલ પ્રવેશ લેવાનું ટાળવા માટે ખાસ ભલામણ કરવામાં આવી છે.

આ ચાર યુનિ.ઓમાં ભારતીય મેડિકલ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ મુજબ પૂર્ણતા નથી એટલે કે ખામીઓ જોવા મળી છે અને કેમ્પસ ઈન્ફ્રાસ્ટરકચર પણ પુરતુ નથી તથા શૈક્ષણિક અને ક્લિનિકલ ટ્રેનિંગ ફેસિલિટીઝની પણ નબળી ગુણવત્તા છે. ઉપરાંત ભારતીય વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવતા હોવાની પણ ઘટનાઓ બને છે. વધુ ફી લેવામાં આવે છે અને પ્રવેશ રદ કરવામાં આવે તો ફી પણ પરત કરવામાં આવતી નથી. કમિશને ખાસ ચેતવણી આપી છે કે જો વિદ્યાર્થીઓ વિદેશની એવી યુનિ.ઓમાં પ્રવેશ લેશે કે જ્યાં ભારતીય નિયમો મુજબની પૂર્ણતા નહીં હોય કે માપદંડોનું પાલન થતુ નહીં હોય તો આ વિદ્યાર્થીઓને ભારતમાં રજિસ્ટ્રેશન માટે મુશ્કેલી પડી શકે છે. જો એડવાઈઝરીનું પાલન નહીં થાય કે અનુસરવામાં નહીં આવે તો મેડિકલ અભ્યાસ બાદ ભારતમાં મેડિકલ રજિસ્ટ્રેશન માટે ગેરલાયક ઠેરવવામાં આવી શકે છે. જેથી વિદ્યાર્થીઓ-વાલીઓને ખાસ તાકીદ છે કે કમિશનની વેબસાઈટ પર 19 મેના રોજ જાહેર કરાયેલી એલર્ટ-એડવાઈઝરીને ખાસ વાંચી લેવામાં આવે. ઉપરાંત કોઈ પણ દેશમાં અભ્યાસમાં જતા પહેલા જે તે દેશની ઈન્ડિયન એમ્બેસીનો સંપર્ક કરવો અને સંસ્થાની માન્યતા કે બ્લેકલિસ્ટ હોવા બાબતે ચકાસણી કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *