આજના સમયમાં બાળકોમાં મોબાઈલનું વળગણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ખાસ કરીને મોબાઈલમાં આવતી વિવિધ ગેમ્સ બાળકોને ઘેલા બનાવી રહી છે. આ વળગણ બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસને નુકસાન પહોંચાડી રહ્યું છે. ત્યારે આવી જ એક ઘટના ચોટીલા તાલુકાના ભેટસુડા ગામેથી સામે આવી છે, જ્યાં ફ્રી ફાયર ગેમ રમવાની ના પાડતા 10 વર્ષના બાળકે આત્મહત્યા કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
મળતી માહિતી મુજબ, ચોટીલા તાલુકાના ભેટસુડા ગામે રહેતા 33 વર્ષીય જયસુખ દેવાભાઈ કુકડીયા ખેતીકામ કરે છે. તેમનો 10 વર્ષનો પુત્ર હીરેન અભ્યાસ કરતો હતો. છેલ્લા થોડા સમયથી હીરેનને મોબાઈલમાં ’ફ્રી ફાયર’ નામની ગેમ રમવાનું ભારે વળગણ લાગ્યું હતું.તા. 19 જુલાઈના રોજ બપોરના સમયે, હીરેનના પિતાએ તેને મોબાઈલમાં ગેમ ન રમવા બાબતે ઠપકો આપ્યો હતો.
પિતાના ઠપકાથી હીરેનને લાગી આવતા, તેણે પોતાના ઘરે છતના હુક સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ નાની મોલડી પોલીસને થતા, પીએસઆઈ એન.એસ. જોષી સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
