અમદાવાદ ઝોનલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, આણંદના તત્કાલીન ફિલ્ડ સુપરવાઇઝર ધીરુભાઈ બાબુભાઈ શર્મા વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ૪.૯૨ કરોડની સંપત્તિ કામચલાઉ ધોરણે ટાંચમાં લીધી છે. આ મિલકતોમાં નડિયાદમાં આવેલો જલાશ્રય રિસોર્ટ, ખેતીની જમીન, રહેણાંક મકાન અને કોમશયલ દુકાનનો સમાવેશ થાય છે. હાલ નિવૃત જીવન જીવી રહેલા ધીરુભાઈ શર્મા વિરુદ્ધ આ કાર્યવાહી આણંદ એસીબી દ્વારા નોંધવામાં આવેલા અપ્રમાણસર મિલકતના કેસ અને તેના અહેવાલના આધારે કરવામાં આવી છે.
નડિયાદ કનેક્શન અને જલાશ્રય રિસોર્ટ મુખ્ય કેન્દ્રમાં છે. વર્ષ ૨૦૧૨માં ધીરુભાઈ શર્માના પત્ની અને પુત્ર મયંક શર્મા દ્વારા સ્થાપિત આ રિસોર્ટનો સંપૂર્ણ વહીવટ મયંક શર્મા સંભાળતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આશરે બે વર્ષ પહેલા આ જલાશ્રય રિસોર્ટ પર એસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જે તે સમયે ભારે ચર્ચાનો વિષય બન્યા હતા. એસીબીની તપાસમાં બહાર આવ્યું હતું કે, શર્માએ ૧.૦૪.૨૦૦૬થી ૩૧.૦૩.૨૦૧૮ના સમયગાળા દરમિયાન પોતાની આવકના જાણીતા સ્ત્રોત કરતા ૩૫૪.૫૬ ટકા વધુ એટલે કે, ૮.૦૪ કરોડની અપ્રમાણસર મિલકત વસાવી હતી. આ અહેવાલના આધારે જ ઈડીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
ઈડીની તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે, ધીરુભાઈ શર્મા, તેમના પરિવારના સભ્યો અને તેમની કંપની મેસર્સ જલાશય રિસોર્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા લેવામાં આવેલી લોનની ભરપાઈ કરવા માટે શંકાસ્પદ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોનની પરત ચુકવણી માટે બેંક ખાતાઓમાં મોટા પ્રમાણમાં રોકડ જમા કરવામાં આવતી હતી અને ત્યારબાદ આ રકમ તાત્કાલિક કૃષ્ણા ફાઇનાન્સમાં લોન પેમેન્ટ તરીકે ટ્રાન્સફર કરી દેવામાં આવતી હતી. આ પ્રક્રિયામાં પરંપરાગત બેંકિંગ માધ્યમોને બદલે સીધી રોકડ જમા કરાવીને નાણાંના મૂળ સ્ત્રોતને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
જલાશ્રય રિસોર્ટના વિકાસ માટે વર્ષ ૨૦૦૭માં ૫.૪૦ લાખમાં ખરીદાયેલી ૫૨ ગુંઠા જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ માટે શરૂઆતમાં ૫.૫૦ કરોડની સિક્યોર્ડ લોન લેવામાં આવી હતી, જે વર્ષ ૨૦૧૮માં વધીને ૭.૮૫ કરોડ થઈ હતી. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, ૨૦૧૫થી ૨૦૨૦ના ગાળામાં રિસોર્ટના કામકાજ માટે પરિવાર દ્વારા ૧.૧૯ કરોડની અનસિક્યોર્ડ લોન પણ મેળવવામાં આવી હતી. આ ઉપરાંત, શર્માએ પોતાના અને પરિવારના નામે લીધેલી વીમા પોલિસીઓના પ્રીમિયમ પણ રોકડમાં ભરીને મની લોન્ડરિંગનો આશરો લીધો હતો. હાલમાં આ મિલકતો જપ્ત કરીને તપાસ એજન્સી દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(વર્તમાન સ્થિતિ : ઈ.ડી. દ્વારા જપ્ત કરાયેલી ૪.૯૨ કરોડની મિલકતોને એડજ્યુડિકેટિંગ ઓથોરિટી દ્વારા કન્ફર્મ કરવામાં આવી છે. હાલમાં અમદાવાદની સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં ટ્રાયલ ચાલુ છે અને તમામ મિલકતો સરકારના ટાંચ હેઠળ છે.
