ગત વર્ષ 2025 વાહનચાલકો માટે આર્થિક રીતે બોજારૂપ રહ્યું હતું. વર્ષ 2025 દરમિયાન અદાણી દ્વારા કુલ ચાર વખત ભાવવધારો ઝીંકવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2025: રૂ. 1.50નો મોટો વધારો કરવામાં આવ્યા હતો. ત્યારબાદ બે મહિના બાદ માર્ચ 2025: 50 પૈસાનો વધારો અને એપ્રિલ 2025: 40 પૈસાનો વધારો કરવામાં આવતાં વર્ષ 2025 દરમિયાન અંદાજે રૂ. 3.40 જેટલો ભાવ વધારો થયો હતો.
અદાણી દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 1.21નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ રૂ. 81.17 પ્રતિ કિલોગ્રામ થયો છે. નવા વર્ષની શરૂઆતમાં જ મળેલી આ રાહતથી વાહનચાલકોમાં આનંદની લહેર જોવા મળી રહી છે.
સતત વધતા જતા મોંઘવારીના દર વચ્ચે સીએનજીના ભાવમાં થયેલો આ ઘટાડો ખાસ કરીને ટેક્સી ચાલકો, રિક્ષા ચાલકો અને રોજબરોજ અપ-ડાઉન કરતા નોકરિયાત વર્ગ માટે રાહતરૂપ સાબિત થશે. 2026ની શરૂઆતમાં જ મળેલી આ ભેટને કારણે અન્ય ખર્ચાઓમાં પણ થોડો ફાયદો થવાની આશા છે.

