ગુજરાતમાં એમ્બરગ્રીસ ઝડપાવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં પોલીસ દ્વારા ગેરકાયદે એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઊલ્ટીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને કુલ રૂપિયા 8.70 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.
રૂ.8.70 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો
મળતી માહિતી મુજબ, પોલીસે સરખેજ મકરબા ટોરન્ટ પાવર રોડ પર નવા બની રહેલા ઓવરબ્રિજની બાજુમાં આવેલા સત્યદીપ હાઈટ્સ પાસેથી ચાર શખ્સોને વોચ ગોઠવીને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી એમ્બરગ્રીસનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને પકડેલા ચાર આરોપીઓ પાસેથી કુલ 8 કિલો 704 ગ્રામ એમ્બરગ્રીસના નાના-મોટા ટુકડાઓ મળ્યા હતા. બજારમાં આ પદાર્થની કિંમત રૂપિયા 8,70,40,000 છે. ઝડપાયેલા ચાર આરોપીઓની ઓળખ રિંકુસિંહ સમરબહાદુરસિંહ રાજપૂત (ઉં.વ.21), શષાંક પાંડે(ઉં.વ.29), એજેક્સ વ્યાસ(ઉં.વ.23) અને જતીન પાટીલ(ઉં.વ.25) તરીકે થઈ છે. આરોપી અમદાવાદના નરોડા અને ન્યૂ મણિનગર વિસ્તારના રહેવાસી છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેમણે આ એમ્બરગ્રીસનો જથ્થો સુરત ખાતે રહેતા બિપિન સોલંકી નામના એક શખ્સ પાસેથી મેળવ્યો હતો. આરોપી એમ્બરગ્રીસના વેચાણ માટે ગ્રાહકો શોધી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા.
આટલી મોંઘી કેમ?
આંતરરાષ્ટ્રીય બજારમાં એમ્બરગ્રીસની કિંમત 1થી 2 કરોડ રૂપિયા કિલો સુધીની હોઈ શકે છે. તેની કિંમત તેની શુદ્ધતા અને ગુણવત્તા ઉપર આધાર રાખે છે. જાણકારો જણાવે છે કે, આ ખૂબ જ દુર્લભ વસ્તુ છે તેથી તેની કિંમત ખૂબ જ ઊંચી છે. પરંપરાગત રીતે એમ્બરગ્રીસનો ઉપયોગ પર્ફ્યમ બનાવવામાં કરવામાં આવે છે. જો કે પહેલા તેનો ઉપયોગ ખાવામાં, તમ્બાકૂ અને આલ્કોહોલમાં ફ્લેનર માટે પણ કરવામાં આવતો હતો. એક ધારણા એ પણ છે કે એમ્બરગ્રીસ જાતીય શક્તિ વધારે છે. તેથી પણ આ પદાર્થની ખૂબ જ માંગ રહે છે અને ખૂબ જ ઊંચા ભાવે ખરીદવામાં આવે છે. મધ્ય પૂર્વ, પૂર્વી યૂરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં તેની ખૂબ જ માંગ છે.
