ઓપરેશન ગંગાજળ: કામચોર-ભ્રષ્ટ કર્મચારી-અધિકારીઓને ઘરભેગા કરાશે

સરકારી નોકરીને સ્થિર-સુરક્ષિત ગણી કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ કામચોરી તેમજ પદનો દુરુપયોગ કરતા હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. છેલ્લાં ઘણાં સમયથી અમદાવાદ મ્યુનિ.ના કર્મીઓ અને અધિકારીઓની કાર્યક્ષમતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં હવે સરકારી વિભાગની જેમ અમદાવાદ મ્યુનિ.માં પણ ઓપરેશન ગંગાજળ શરૂ કરાશે. જેમાં 50થી 55 વર્ષના અને કામમાં આળસ કરતા કર્મીઓ તથા અધિકારીઓને અપરિપક્વ નિવૃત્ત કરી ઘરભેગા કરી દેવાશે.

સરકારી કર્મીઓ સામે ગેરરીતિની ફરિયાદો વધતા છેલ્લાં બે વર્ષથી રાજ્ય સરકાર દ્વારા ઓપરેશન ગંગાજળ શરૂ કરી કેટલાક કર્મીઓ અને અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરાઈ રહ્યા છે. તેવી જ રીતે હવે અમદાવાદ મ્યુનિ.માં પણ ભ્રષ્ટ અને બિન-કાર્યક્ષમ અધિકારીઓને ઘરભેગા કરવાનું નક્કી કરાયું છે. 

મ્યુનિ.માં કામ કરતા વર્ગ1થી 4ના 50-55 વર્ષની વયના કર્મીઓના કામની સમીક્ષા કરી જરૂર જણાય તો તેમને અપરિપક્વ નિવૃત્તિ આપી દેવાશે. જે-તે વિભાગ અથવા શાખાના વડા દ્વારા કર્મીઓના 10 વર્ષના ખાનગી અહેવાલ, તેમની સામે ચાલતી ખાતાકીય તપાસ તથા લેવાયેલા શિક્ષાત્મક પગલાં, પ્રામાણિકતા, શારીરિક અને માનસિક ક્ષમતા વગેરેની સમીક્ષા કરી અપરિપક્વ નિવૃત્તિ સેલને મોકલશે. બાદમાં સેલની સમીક્ષા સમિતિ દ્વારા તેની ચકાસણી કરી નિર્ણય લેવાશે.

જેમની પ્રથમ નિમણૂક 35 વર્ષની ઉંમર પછી થયેલ હોય તેમની સમીક્ષા 55 વર્ષે પહોંચે ત્યારે કરાશે. જ્યારે બાકીની સમીક્ષા 50 વર્ષની વય બાદ કરી શકાશે. જેમની નિવૃત્તિમાં એક વર્ષ જ બાકી હોય તેવા કર્મીઓની સમીક્ષા થશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...