સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા, નર્મદા નદી કાંઠાના ગામોને ઍલર્ટ કરાયા

Latest News આરોગ્ય ગુજરાત

 અમરકંટકથી નીકળતી મા નર્મદા કે જેને રેવા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ભરૂચ ખાતે દરિયામાં મળે છે. અમરકંટકથી ગુજરાત સુધી મા નર્મદા નદી પર મહત્ત્વના 4 ડેમ બનવવામાં આવ્યા છે. જેમાં મધ્યપ્રદેશમાં બરગી, ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર, જ્યારે ગુજરાતમાં સરદાર સરોવર કે જે સૌથી મોટો ડેમ નર્મદા નદી પર બનાવવામાં આવ્યો છે. ત્યારે શુક્રવારે (પાંચમી સપ્ટેમ્બર) 23 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઉપરવાસમાંથી 5,90,995 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેમાં 23 દરવાજા થકી 4,46,379 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

નર્મદા ડેમની હાલની જળ સપાટી 135.91 મીટરે પહોંચી છે, જે તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી 2.77 મીટર દૂર છે. જોકે, નર્મદા ડેમ દર વર્ષની જેમ આ વર્ષે પણ સંપૂર્ણ પણે ભરાશે અને ગુજરાતને પીવા અને સિંચાઈનું પાણી પૂરું પાડશે. બીજી તરફ નર્મદા નદી કાંઠાના 27થી વધુ ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા છે.

વડોદરાના ચાણોદમાં નર્મદા નદી પર સ્થિત સરદાર સરોવર ડેમમાંથી 4.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. ચાણોદમાં મલ્હાર રાવ ઘાટના 92 પગથિયાં પાણીમાં ડૂબી ગયા છે. જો કે, નર્મદા નદીનું પાણીનું સ્તર હજુ સુધી ભયના નિશાને પહોંચ્યું નથી, પરંતુ સતત વરસાદને કારણે પરિસ્થિતિ ચિંતાજનક છે. જો વરસાદ આ રીતે ચાલુ રહેશે તો સ્થાનિક લોકોને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, નવમી ઓગસ્ટ 2019માં મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ અને નર્મદા નદીમાં જળપ્રવાહ વધતા 26 દરવાજા ખોલવામાં આવ્યા. અગાઉ જુલાઈ 2019માં 22 દરવાજા ખોલવામાં આવ્યા હતા. પહેલી વાર વર્ષ 2019, 2020, 2022, 2023,2024 અને 2025 માં છઠ્ઠી વાર નર્મદા ડેમના 23 દરવાજા ખોલવાની ફરજ પડી છે. જોકે, વર્ષ 2023માં 23 દરવાજા ખોલતા ગુજરાતમાં પુરની સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારબાદ વર્ષ 2024માં નર્મદા કન્ટ્રોલ ઓથોરીટી દ્વારા તબક્કાવાર પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવતા નદી કાંઠાના ગામોને રાહત મળી હતી. ત્યારે ચાલુ વર્ષે પણ 31મી જુલાઈના રોજ નર્મદા ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારથી દરવાજા ખોલવાની સંખ્યામાં વધારો થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *