‘બે મહાન દેશો અંતે સમાધાન કરશે, SCO સમિટ તો માત્ર દેખાડો’, અમેરિકાના સૂર બદલાયા

Latest News કાયદો દેશ રાજકારણ

 ટેરિફ મુદ્દે અમેરિકા અને ભારત વચ્ચે તણાવ વધી રહ્યો છે, જ્યારે બીજી તરફ ચીનમાં યોજાયેલી SCO સમિટમાં ભારત, ચીન અને રશિયા વચ્ચે એકતા જોવા મળી. જે બાદ હવે અચાનક અમેરિકાના સૂર બદલાવવા લાગ્યા છે. અમેરિકાના સેક્રેટરી ઓફ ટ્રેઝરી એટલે કે નાણામંત્રી સ્કોટ બેસેન્ટે કહ્યું છે કે ભારત અને અમેરિકા બંને મહાન દેશો છે અને અંતમાં બંને દેશો કોઈ સમાધાન કાઢી જ લેશે.

સ્કોટ બેસેન્ટે કહ્યું છે, કે ભારત અને અમેરિકાના સંબંધો જટિલ છે. વડાપ્રધાન મોદી અને પ્રમુખ ટ્રમ્પ બંને સારા મિત્રો છે. ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે જ્યારે અમેરિકા દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા. મને લાગે છે કે અંતે તો બંને દેશો એક થઈ જશે.

SCO સમિટને લઈને સ્કોટ બેસેન્ટે કહ્યું કે આ તો જૂનું સંમેલન છે અને આ મોટા ભાગે માત્ર દેખાડો જ હોય છે. ભારત દુનિયામાં સૌથી વધુ વસતી ધરાવતી લોકશાહી છે, ભારતના મૂલ્યો રશિયા અને ચીનની સરખામણીએ અમેરિકા સાથે વધારે મેળ ખાય છે.

રશિયાના ઓઈલ મુદ્દે ભારત પ્રત્યે નારાજગી વ્યક્ત કરતાં બેસેન્ટે કહ્યું કે રશિયાથી ઓઈલ ખરીદી પછી તેને વેચવાનો ભારતનો નિર્ણય યોગ્ય નહોતો. આમ કરવાના કારણે યુક્રેન યુદ્ધમાં રશિયાને નાણાકીય મદદ મળી.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝીંકયો છે. પહેલા ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરનો શ્રેય લેવા પ્રયાસ કર્યા, પછી ટ્રેડ ડીલ મુદ્દે પણ તણાવ થતાં બંને દેશો વચ્ચે સંબંધો વણસ્યા છે. એવામાં આજે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ભારત પર આકરા પ્રહાર કર્યા છે. આટલું જ નહીં ટ્રમ્પનો દાવો છે કે ભારતે ટેરિફ ઘટાડવાની ઓફર આપી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી ભારત પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું, કે ‘અમેરિકા ભારત સાથે ખૂબ ઓછો બિઝનેસ કરે છે પરંતુ ભારત આપણી સાથે મોટા પ્રમાણમાં બિઝનેસ કરે છે. બીજા શબ્દોમાં કહું તો ભારત અમેરિકામાં મોટા પ્રમાણમાં સામાન વેચે છે, આપણે તેમના સૌથી મોટા ગ્રાહક છીએ પણ આપણે ત્યાં ખૂબ ઓછો સામાન વેચીએ છીએ. છેલ્લા ઘણા દાયકાઓથી આ એકતરફી સંબંધો ચાલી રહ્યા હતા.’

 

ટ્રમ્પે વધુમાં કહ્યું, કે ‘ભારત અત્યાર સુધી અમેરિકા પર ખૂબ મોટા પ્રમાણમાં ટેરિફ લગાવતું હતું, જેના કારણે ત્યાં કોઈ પણ સામાન વેચવો ખૂબ અઘરો હતો. આટલું જ નહીં ભારત મોટા પ્રમાણમાં ઓઇલ અને સૈન્ય હથિયારો રશિયા પાસેથી જ ખરીદે છે. ભારતે હવે ટેરિફ ઘટાડવા પ્રસ્તાવ આપ્યો છે, પણ હવે ખૂબ વિલંબ થઈ રહ્યો છે. ભારતે આ વર્ષો અગાઉ જ કરવા જેવું હતું.’  બીજી તરફ હવે ભારતમાં અમેરિકાની એમ્બેસીએ પોતાના X હેન્ડલથી એક પોસ્ટ કરી છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું. આ પોસ્ટમાં ભારત અને અમેરિકાની મિત્રતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે, કે અમેરિકા અને ભારતની પાર્ટનરશીપ નવી ઊંચાઈઓ પર પહોંચી રહી છે અને આ સંબંધ 21મી સદી માટે નિર્ણાયક છે. બંને દેશોના લોકો વચ્ચેની સ્થાયી મિત્રતાના ઈનોવેશનથી લઈને સંરક્ષણ સહિતના ક્ષેત્રોમાં ઉર્જા પ્રદાન કરે છે.

 

નોંધનીય છે કે આજે જ વડાપ્રધાન મોદી ચીનમાં આયોજિત SCO સમિટમાં સામેલ થયા હતા. આ સમિટમાં વડાપ્રધાન મોદીએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. ત્રણેય નેતાઓની મુલાકાતની તસવીરો વિશ્વ  આખામાં વાઇરલ થઈ હતી. આ સમિટમાં અમેરિકાનું નામ લીધા વિના કડક સંદેશો આપવામાં આવ્યો હતો.

 

બીજી તરફ અમેરિકા દ્વારા ભારત પર સતત રશિયાના ઓઇલ મુદ્દે દબાણ કરવામાં આવી રહ્યું છે. અમેરિકાના કેબિનેટના સદસ્યો, ટ્રમ્પના સલાહકાર અને વ્હાઇટ હાઉસના પ્રવક્તા અવાર નવાર રશિયાથી ઓઇલ ખરીદવા મુદ્દે ભારત પર પ્રહાર કરી રહ્યા છે. જોકે ભારતે અગાઉ સ્પષ્ટ કર્યું છે કે ઓઇલ મુદ્દે બેવડું વલણ નહીં ચાલે, ચીન અને યુરોપ પણ ઓઇલ અને ગેસ ખરીદે છે. ભારતને જ્યાંથી સૌથી સારી ડીલ મળશે ત્યાંથી ઓઇલ ખરીદવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *