અમેરિકા દ્વારા સ્પર્ધાત્મક ભાવે ક્રુડ તેલ ઓફર કરાતા વર્તમાન મહિનામાં ભારતની રિફાઈનરીઓ દ્વારા અમેરિકાના ક્રુડ તેલની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતના માલસામાન પર ૫૦ ટકા ટેરિફ લાગુ કરવાના નિર્ણય બાદ ભારત તથા અમેરિકા વચ્ચે ક્રુડ તેલના વેપારમાં વધારો જોવા મળી રહ્યો છે.
ભારત દ્વારા અમેરિકાના ક્રુડ તેલની ઊંચી ખરીદીથી અમેરિકા સાથે ભારતની વેપાર પુરાંત ઘટશે. હાલમાં બન્ને દેશો વચ્ચે રાજદ્વારી તાણ ચાલી રહી છે.
ભારતની રિફાઈનરી આઈઓસીએ ઓકટોબર તથા નવેમ્બરમાં ડિલિવરી માટે ટેન્ડર પ્રક્રિયા મારફત ૫૦ લાખ બેરલ અમેરિકાના વેસ્ટ ટેકસાસ ઈન્ટરમીડિયેટ ક્રુડની ખરીદી કરવામાં આવી છે, એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું.
એપ્રિલ તથા મેની ડિલિવરી માટે આઈઓસીએ વિવિધ આંતરરાષ્ટ્રીય ટ્રેડરો મારફત ૭૦ લાખ બેરલ અમેરિકાના વેસ્ટ ટેકસાસ ઈન્ટરમીડિયેટ ક્રુડની ખરીદી કરી છે.
બીપીસીએલ દ્વારા આ તેલની વીસ લાખ બેરલની ખરીદી કરાઈ હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું હતું.
અમેરિકાનું ક્રુડ તેલ આર્થિક રીતે પરવડી શકે તેવુ બનતા ભારત સહિત એશિયાના દેશોએ અમેરિકાના ક્રુડ તેલની ખરીદીમાં વધારો કર્યો છે. અમેરિકા દ્વારા ૫૦ ટકા ટેરિફ લાગુ કરવાના નિર્ણયને કારણે પણ ભારત પર અમેરિકાનું ક્રુડ તેલ ખરીદવા દબાણ થઈ રહ્યું છે.
અમેરિકાના ક્રુડ તેલનું ભારતને વેચાણ યુરોપના ટ્રેડરો દ્વારા થઈ રહ્યાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું. અમેરિકાના ક્રુડ તેલની ખરીદીમાં વધારો છતાં ભારત રશિયા પાસેથી ક્રુડ તેલની ખરીદી ચાલુ રાખવા મક્કમ છે.
સપ્ટેમ્બરમાં ભારતના રિફાઈનરો રશિયાના ક્રુડ તેલની ખરીદીમાં વધારો કરવા યોજના ધરાવે છે. આવતા મહિને રશિયાના ક્રુડ તેલની ખરીદીમાં ૧૫થી ૨૦ ટકા વધારો થવા સંભવ છે.
