અમેરિકાએ ટેક્સટાઈલના પ્રોડક્ટ્સ અને રેડીમેડ ગારમેન્ટની ભારતમાંથી અમેરિકામાં થતી નિકાસ પર વધારાની 50 ટકાની ઇમ્પોર્ટ ડયૂટી લાદી દઈને ભારતના ટેક્સટાઈલ સેક્ટરના નિકાસની અંદાજે 11 અબજ ડોલરના ધંધાને તોડી નાખવાની કવાયત ચાલુ કરી તે પછી ભારત સરકાર ટેક્સટાઈલનો સપ્લાય બ્રિટન, જાપાન અને સાઉથ કોરિયામાં વધે અને ભારતના નિકાસકારોનો બિઝનેસ ટકી રહે તે માટેના પ્રયાસો ચાલુ કરી દીધા છે. એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ આ મોરચે મહત્વની ભૂમિકા ભજવશે.
આ સાથે જ ટેક્સટાઈલના ક્વોલિટી પ્રોડક્ટ્સના, ટકાઉ પ્રોડક્ટ્સના તથા ઇન્નોવેટિવ ટેક્સટાઈલ પ્રોડક્ટ્સ બનાવનાર દેશ તરીકે બ્રિટન, જાપાન અને સાઉથ કોરિયામાં પ્રસ્થાપિત કરવાના પ્રયાસ ચાલુ કરી દેવામાં આવ્યા છે. ઉપરોક્ત ત્રણ દેશો મળીને 590 અબજ ડૉલરના ટેક્સટાઈલના ઉત્પાદનોની આયાત કરી રહ્યા છે. અમેરિકાએ ભારતના ટેક્સટાઈલ પ્રોડક્ટ્સ પરની 6થી 8 ટકાના ટેરિફ ઉપરાંત વધારાની 50 ટકા ટેરિફ 27 મી ઓગસ્ટથી લાદી દેતા ભારતની નિકાસ લગભગ બંધ થઈ ગઈ છે.
અમેરિકાના દરવાજા બંધ થતાં ભારતે ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, નેધરલેન્ડ, પોલેન્ડ, કેનેડા, મેક્સિકો, રશિયા, બેલ્જિયમ, તુર્કી, યુનાઈટેડ આરબ અમિરાત અને ઓસ્ટ્રેલિયાના બજારમાં પણ જોરશોરથી એન્ટ્રી લેવાનું આયોજન કરી દીધુ છે. દરેક બજારમાં કેટલી નિકાસ વધારવી તેના ટાર્ગેટ નક્કી કરી દેવામાં આવ્યા છે. ક્વોલિટી સપ્લાયર તરીકે આ બજારમાં ભારતના નિકાસકારોને પ્રસ્થાપિત કરવાની નેમ સાથે સમગ્ર આયોજન અમલમાં મૂકવામાં આવી રહ્યુ છે.
આમ તો ભારત વિશ્વના 220 દેશોમાં ટેક્સટાઈલના ઉત્પાદનોની નિકાસ કરે છે. પરંતુ તેમાંથી આયાત કરનારા 40 દેશ સૌથી વધુ મહત્વના છે. તેમાં નિકાસ કરવાથી ભારતના નિકાસકારોનો એક્સપોર્ટના પોર્ટફોલિયોમાં વિવિધતા આવશે. અમેરિકામાં ભારતમાંથી ટેક્સટાઈલની નિકાસ બંધ થતાં 11 અબજ ડૉલરનો ફટોક પડયો છે. પરંતુ તેની સામે ટેક્સટાઈલ અને એપરલ્સની આયાત કરતાં અન્ય 40 દેશોના બજાર પર નજર ઠેરવવામાં આવી છે. આ બજારમાં દુનિયામાંથી થતી ટેક્સટાઈલ અને એપરલની કુલ નિકાસનો માત્ર 5 થી 6 ટકા હિસ્સો ભારતીય નિકાસકારોના હાથમાં છે. જોકે ટેક્સટાઈલની દુનિયાભરમાં થતી કુલ નિકાસમાં 4.1 ટકા માર્કેટ શેર સાથે ભારત ટેક્સટાઈલની નિકાસમાં દુનિયામાં છઠ્ઠા ક્રમે છે.
2024-25ના વર્ષમાં દુનિયાભરમાંથી ટેક્સટાઈલ અને એપરલના ઉત્પાદનોની કુલ 179 અબજ ડૉલરની નિકાસ થઈ હતી. દેશમાં ટેક્સટાઈલનું માર્કેટ 179 અબજ ડાલરનું છે. હવે ભારતની એક્સપોર્ટ નીતિને નવો ઓપ આપવામાં એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિસ બહુ જ મોટી ભૂમિકા ભજવશે. કયા દેશમાં ઊંચા મૂલ્યના અને વધુ ડીમાન્ડ ધરાવતા પ્રોડક્ટ્સ કયા ને કેટલા છે તેનો ક્યાસ કાઢી આપવાની કામગીરી એક્સપોર્ટ કાઉન્સિલ કરશે. એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ બજારને ક્યાસ કાઢી આપીને ડાયવર્સિફિકેશન માટે માર્ગદર્શન આપશે. તેનો લાભ સુરત, પાણીપત, તિરપુર અને ભાદોહીના મેન્યુફેક્ચરર્સને ખાસ્સો ફાયદો થઈ શકે છે.
બીજીતરફ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ભારતની નિકાસને ટકાઉ બનાવશે. તેમ જ નિકાસને ટકાવી રાખવા માટેના જરૂરી પ્રમાણ પત્રો પણ આપવાનું કામ કરશે. બ્રિટન, સાઉદી અરેબિયા અને ઓસ્ટ્રેલિયાન ઉપરાંત અન્ય દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાથી મોટો ફાયદો થવાની ધારણા છે, કારણ કે તેનાથી ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા વધી જશે.
