મંગળ બજાર અને નવા બજારમાં દબાણોનો કાયમી ઉપાય નહીં, કાર્યવાહી માત્ર દેખાડા પૂરતી?

મંગળ બજાર અને નવા બજારમાં દબાણોનો કાયમી ઉપાય નહીં, કાર્યવાહી માત્ર દેખાડા પૂરતી?

વડોદરા શહેરના મંગળ બજાર અને નવા બજારમાં ગેરકાયદે દબાણોનો પ્રશ્ન વર્ષોથી યથાવત છે. દબાણો દૂર કરવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની વારંવારની કાર્યવાહી છતાં વેપારીઓની બેદરકારી અને નિયમોના ઉલ્લંઘનને કારણે સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. દબાણ શાખાની ટીમ દબાણો દૂર કરીને જાય તેના ગણતરીના કલાકોમાં જ ફરી દબાણો ઊભાં થઈ જતાં સરકારી સમય અને નાણાંનો વેડફાટ થતો હોવાનો સવાલ ઊઠ્યો છે.

મંગળ બજાર અને નવા બજારમાં મોટાભાગના વેપારીઓ દુકાનની બહાર લટકણીયાં લગાવવા માટે ગેરકાયદે પાઇપ લગાવે છે તેમજ દુકાનની બહાર સામાન ગોઠવીને રસ્તા પર જગ્યા રોકે છે. આ ઉપરાંત કેટલાક વેપારીઓ લારી-ગલ્લાવાળા અને પથારાવાળાને પણ પોતાની દુકાનની બહાર ઊભા રહેવા માટે જગ્યા આપતા હોવાને કારણે માર્ગ પર દબાણો વધે છે. પરિણામે રાહદારીઓ અને ખરીદી માટે આવતા લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા વારંવાર કાર્યવાહી કરવામાં આવે છે અને વેપારીઓને સૂચનાઓ પણ આપવામાં આવે છે. તેમ છતાં દબાણો દૂર કરવામાં કાયમી સફળતા મળતી નથી. આજે ફરી દબાણ શાખાની ટીમે મંગળ બજારમાં લટકણીયાં લગાવવા માટે વેપારીઓએ ઊભા કરેલા ગેરકાયદે પાઇપ દૂર કર્યા હતા. જોકે, કાર્યવાહી બાદ થોડા કલાકોમાં જ ફરી પાઇપ લગાવીને દબાણો ઊભાં કરાયા હતા.

વારંવારની કાર્યવાહી છતાં દબાણો યથાવત રહેતાં દબાણ શાખાની કામગીરીની અસરકારકતા સામે પણ સવાલો ઊઠી રહ્યા છે. માત્ર દબાણો દૂર કરવાની કામચલાઉ કાર્યવાહી કરવાને બદલે દબાણ ફરી ઊભું કરનાર વેપારીઓ સામે કડક દંડાત્મક પગલાં લેવામાં આવે અને સતત દેખરેખ રાખવામાં આવે તેવી માગ ઊઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...