જળગાંવમા ખેતર ફરતે લગાવેલા વાયરમાંથી કરન્ટ લાગતાં પરિવારના પાંચનાં મોત

Latest News અપરાધ આરોગ્ય કાયદો

જળગાંવમા જિલ્લામા જનાવરોથી પાકને સુરક્ષિત રાખવા માટે ખેતર ફરતે લગાવવામાં આવેલા વાયરમાંથી કરન્ટ લાગવાથી એક જ પરિવારના પાંચ જણનાં મોત નીપજ્યાં છે. વાયરમાંથી વીજપ્રવાહ પસાર થઈ રહ્યો હતો અને મૃતક પરિવાર અકસ્માતે તેના સંપર્કમાં આવ્યો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.આ ઘટનામાં દોઢ વર્ષની બાળકી બચી ગઈ હતી ઘટનાસ્થળે બે જંગલી ડુક્કર પણ મરેલા પડ્યાં હતાં.

એરંડોલ શહેર નજીકના વારખેડી ગામમાં મંગળવારની મોડી રાતે આ ઘટના બની હોવાનું કહેવાય છે. જોકે ગામજનોને બુધવારની સવારે ઘટનાની જાણ થઈ હતી. પતિ-પત્ની, એક વૃદ્ધા અને બે બાળક મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં. પોલીસ મૃતકોની ઓળખ મેળવવાના પ્રયાસ કરી રહી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બંડુ પાટીલની માલિકીના ખેતર પાસેથી પસાર થનારા ગામનો એક રહેવાસીની નજર બેભાન અવસ્થામાં પડેલા પાંચ જણ અને તેની પાસે બેસીને રડતી બાળકી પર પડી હતી. તેણે તરત જ ગામના મુખિયા અને પોલીસને જાણ કરી હતી.

બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હૉસ્પિટલે લઈ જવાયેલા પાંચેયને તબીબે મૃત જાહેર કર્યા હતા. બાળકીને પોલીસ સ્ટેશને લાવવામાં આવી હતી, જ્યાં અત્યારે તેની સારસંભાળ લેવામાં આવી રહી છે.

મૃતક પરિવાર ચાલતો જતો હશે અને વીજળીના વાયરના સંપર્કમાં આવ્યો હશે, જેને કારણે તેમને કરન્ટ લાગ્યો હોવાની શક્યતા જોવા મળે છે.. આ વાયર ખેતરના પાકને જંગલી પ્રાણીઓથી સુરક્ષિત રાખવા લગાવવામાં આવ્યો હતો અને તેમાં વીજપ્રવાહ ચાલુ હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *