શ્રી રંગ આન્ટરટેઇન્મેન્ટ બેનર હેઠળ નિર્માતા સુદર્શન વૈદ્ય (શંભુભાઈ) અને દિગ્દર્શક રૉકી મૂલચંદાની એક એવા કલાકારની બાયોપિક લઈને આવી રહ્યા છે જે ઝીરોથી હીરો બની બૉલિવુડના દિગ્ગજોને ડોલાવી રહ્યો છે. ફિલ્મનું નામ હાલ અનટલેડ સ્ટોરી ઑફ રાજુ કલાકાર રાખવામાં આવ્યું છે.
ફિલ્મ અંગે જણાવતા નિર્માતા શંભુભાઈએ જણાવ્યું કે, આ એક કલાકારની જીવની માત્ર નથી પણ અનેક લોકો માટે પ્રેરણા સ્રોત બની શકે છે. જે રીતે રાજુએ અનેક મુસીબતોનો સામનો કરી કલાજગતમાં આગવું સ્થાન મેળવ્યું એ અકલ્પનીય છે. રાજુએ એક લક્ષ્યને હાંસલ કરવા કરેલા સંઘર્ષ બાદ મળેલી અપ્રતિમ સફળતા અનેક સંઘર્ષરત લોકોનું જીવન બદલી શકે છે.
ફિલ્મના દિગ્દર્શક રૉકી મૂલચંદાનીએ કહ્યું કે, ફિલ્મ બનાવવાનો અમારો ઉદ્દેશ યુવાનોને એક સંદેશ આપવાનો છે. જો તમે પૂરી લગનથી તમારા લક્ષ્યને પામવાનો પ્રયાસ કરો તો તમને ચોક્કસ સફળતા મળશે. એક સામાન્ય વ્યક્તિની બાયોપિક બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો? પ્રશ્નના જવાબમાં રૉકી કહે છે કે, આ સમાન્ય વ્યક્તિની અસામાન્ય વાત છે. જે બે પત્થરને વાજિંત્ર બનાવી લોકોને સુમધુર ગીતો સંભળાવે છે. આ ગીત એટલા ફૅમસ થયા કે કરોડો લોકો એના દીવાના થયા. જેમાં બૉલિવુડના દિગ્ગજ કલાકારોનો પણ સમાવેશ થાય છે. આ એક મોટી સિદ્ધિ કહી શકાય. હકીકતમાં રાજુએ ઝીરોથી હીરો સુધીની મજલ કાપી.
ફિલ્મની જાહેરાત પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજુ કલાકારે જણાવ્યું કે, મહેનત-મજૂરી કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરવાની સાથે મ્યુઝિકની દુનિયામાં નામ કમાવવાના સપનાં જોતો હતો. જોકે મેં સપનાંમાં પણ નહોતું ધાર્યું કે એક દિવસ એટલી પ્રસિદ્ધિ મળશે કે બૉલિવુડના દિગ્ગજ કલાકારો એની કલાને બિરદાવશે.
રાજસ્થાનના નાગૌરના રહેવાસી રાજુના પરિવારનો મુખ્ય વ્યવસાય હતો કઠપૂતલીના શો કરવાનો, જેમાં એ ઢોલ વગાડતો. જોકે મુસીબતોનો સામનો કરતા રાજુએ કદી હાર માની નહીં. રાજસ્થાનમાં આવકના સ્રોત મર્યાદિત હોવાથી એ ગુજરાતના સુરત આવ્યો. અહીં નાના-મોટા કામો કરી ગુજરાન ચલાવતો હતો. દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરતી વેળા બે પત્થરને આંગળી વચ્ચે રાખી સંગીત તૈયાર કરતા જોયો અને એ કળા મેં ટૂંક સમયમાં હાંસલ કરી.
જોકે મારી જિંદગીમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે મારા એક મિત્રએ રીલ બનાવી અને સોશિયલ મીડિયા પર શેર કરી. જોકે જૂન મહિનામાં અપલોડ કરેલા વિડિયોએ કમાલ કરી. વિડિયોમાં બેવફા સનમ (1995)નું ગીત દિલ પે ચલાઈ છુરિયાં માર્બલના બે પત્થરના સંગીતના તાલે ગાયું હતું. આ વિડિયો એટલો વાયરલ થયો કે અધધ 17.4 કરોડથી વધુ લોકોએ જોયો, 44 લાખ જણે શેર કર્યો તો 1.61 કરોડ લાઇક્સ મળ્યા.
બૉલિવુડના દિગ્ગજ ગાયક સોનુ નિગમે પણ રાજુને બિરદાવવાની સાથે એની સાથે ગીતનું રીમેક બનાવ્યું જેને ટી-સિરીઝે પ્રોડ્યુસ કર્યું. તો જાણીતા કૉરિયોગ્રાફર રેમો ડિસોઝાએ પણ સપોર્ટ આપ્યો. હું શંભુભાઈ અને રૉકીજીનો આભાર માનું છું કે મારા જેવા અદના આદમી પર ફિલ્મ બનાવી રહ્યા છે.
અંતમાં દિગ્દર્શક રૉકી મૂલચંદાનીએ જણાવ્યું કે, ફિલ્મની સ્ક્રિપ્ટને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એ સાથે કલાકાર કસબીઓની પસંદગીની પ્રક્રિયા પણ પૂરી કરાશે. ફિલ્મનું શૂટિંગ આ વરસે જ શરૂ કરવાનું પ્લાનિંગ છે.
