દેશની રાજધાની દિલ્હીની ૪૫ જ્યારે આઇટી હબ બેંગલુરુની ૪૦ જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઇમેઇલ દ્વારા મળેલી આ ધમકીને પગલે બન્ને શહેરોમાં પોલીસ, વાલીઓ અને શાળાનો સ્ટાફ દોડતો થઇ ગયો હતો. આ ધમકી બાદ તમામ શાળાઓને તાત્કાલીક ખાલી કરી દેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને સુરક્ષીત બહાર કાઢી લેવાયા હતા. જે બાદ પોલીસે ડોગ-બોમ્બ સ્ક્વોડની મદદથી તમામ શાળાઓની સઘન તપાસ કરી હતી. પરંતુ કોઇ બોમ્બ નહોતો મળ્યો.
સૌથી પહેલા શુક્રવારે દિલ્હીની શાળાઓને ઇમેઇલ દ્વારા ધમકી મળી હતી જેમાં આ તમામ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો દાવો કરાયો હતો. સપ્તાહમાં ચોથી વખત આવી ધમકી અપાઇ હતી, તમામ સ્કૂલોને રોડકિલમેન્ટલહોસ્પિટલ નામના ઇમેલ દ્વારા ધમકી મળી હતી. જેમાં કેટલાક ઇમેલમાં એવી ધમકી મળી હતી કે જેને કારણે સમગ્ર સ્કૂલમાં ભયનો માહોલ પેદા થઇ ગયો હતો. જેમ કે રિચમન્ડ ગ્લોબલ સ્કૂલને ઇમેલ મળ્યો તેમાં લખ્યું હતું કે નમસ્કાર તમને આ લખાણ દ્વારા જાણ કરવામાં આવે છે કે અમે તમારી શાળાના વર્ગખંડોમાં વિસ્ફોટક ડિવાઇસ ફિટ કર્યા છે. કાળી પ્લાસ્ટિક બેગોમાં આ બોમ્બ ફિટ કરાયા છે અને તમારામાંથી કોઇનો જીવ નહીં બચે. વિસ્ફોટ થયાના સમાચાર મળતા જ આ ઇમેલ મોકલનાર પણ આત્મહત્યા કરી લેશે.
જે પણ સ્કૂલોને આ ધમકી મળી તેમાં મોટાભાગની ખાનગી શાળાઓ હતી. જ્યારે ત્રણ કોલેજોને પણ બોમ્બની ધમકી મળી હતી. જેમાં ઇન્દ્રપ્રસ્થ, હિન્દુ અને શ્રીરામ કોલેજનો સમાવેશ થાય છે. ડીસીપી અંકિતસિંહે કહ્યું હતું કે અમારી ટીમ દ્વારા સ્કૂલોની તપાસ કરાઇ હતી કઇ જ શંકાસ્પદ નથી મળ્યું. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું હતું કે અનેક શાળાઓને બોમ્બની ધમકી મળી છે, બાળકો અને પરિવાર પર કેટલી ગંભીર અસર પડી હશે તે વિચારો, તમામ એન્જિન ચલાવનારી ભાજપ સરકાર બાળકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ નીવડી છે. બીજી તરફ કર્ણાટકના બેંગલુરુમાં પણ આશરે ૪૦ જેટલી ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.
જેને પગલે બેંગલુરુ પોલીસ દ્વારા આ તમામ શાળાઓની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તૈનાત કરાઇ હતી. અને દિલ્હીની જેમ બેંગલુરુની આ શાળાઓની પણ સઘન તપાસ કરાઇ હતી પરંતુ કઇ મળ્યું નહોતું. જોકે આ પ્રકારની ધમકીઓને કારણે માતા પિતા અને બાળકો પર તેની બહુ જ માઠી અસર પહોંચી છે. જે શાળાઓને ધમકી મળી ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા પિતાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે અમારી માનસિક શાંતિ પર ગંભીર અસર પહોંચી છે. પશ્ચિમ વિહારના રિચમોન્ડ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકની માતા પર્મિતા શર્માએ કહ્યું હતું કે આ ધમકીઓને પગલે અમે અમારા બાળકને સ્કૂલે જ નથી જવા દીધો. જોકે અંતે આ ઇમેલ દ્વારા મળેલી ધમકી માત્ર અફવા કે જુઠ હોવાનું સાબિત થતા કેટલીક શાળાઓને શુક્રવારે જ ખોલી નાખવામાં આવી હતી અને વર્ગખંડો ચલાવવામાં આવ્યા હતા.
અમૃતસર : વિશ્વભરમાં પ્રખ્યાત ગોલ્ડન ટેમ્પલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇમેઇલ મળ્યા હતા. જેને પગલે પંજાબ પોલીસે આ ઇમેઇલ મોકલનારા શંકાસ્પદ સોફ્ટવેર એન્જિનિયર શુભમ દૂબેની અટકાયત કરી હતી અને વધુ પૂછપરછ કરાઇ હતી. બીટેકની ડિગ્રી ધરાવતો દૂબે અનેક કંપનીઓમાં કામ કરી ચુક્યો છે. તેણે ૧૪મી જુલાઇના રોજ શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમિટીને ઇમેઇલ મોકલીને ગોલ્ડન ટેમ્પલ ઉડાવી દેવાની ધમકી આપી હતી. અમૃતસર પોલીસ કમિશનર ગુરપ્રીતસિંહે કહ્યું હતું કે અટકાયતમાં લેવાયેલા શુભમનો કોઇ ક્રિમિનલ રેકોર્ડ નથી. તેની હજુસુધી ધરપકડ કરાઇ નથી. પ્રબંધક કમિટીના ચીફ હરજિંદરસિંહ ધામીએ કહ્યું હતું કે ધમકી ભર્યા પાંચ ઇમેઇલ મળ્યા હતા. ગોલ્ડન ટેમ્પલની મુલાકાતે આવનારા લોકોમાં ડર પેદા કરવાના ઇરાદાથી પણ આવી ધમકીઓ અપાતી હોય છે.
