બિહારમાં 120 વર્ષના હયાત મતદાર ઉત્તર પ્રદેશમાં એક પિતાના 50 પુત્રો

Latest News અપરાધ કાયદો દેશ

વિપક્ષે વોટચોરીનો આરોપ લગાવીને મતદારોની યાદીમાં છબરડાને હાલ દેશવ્યાપી મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો છે. એવામાં મતદારોને લઇને વિચિત્ર માહિતી સામે આવી રહી છે. બિહારમાં ભાગલપુરની એક મહિલા આશા દેવી ભારે ચર્ચામાં છે. આશા દેવીની મતદાર કાર્ડમાં જન્મ તારીખ ૧ જાન્યુઆરી ૧૯૦૫ છે જે હિસાબે તેની ઉંમર ૧૨૦ વર્ષ થાય છે. આશા દેવી બિહારના સૌથી વૃદ્ધ વયના મતદાર માનવામાં આવે છે. જોકે ઉંમર પર સવાલો ઉઠતા ચૂંટણી પંચે તપાસ કરાવી હતી.

ચૂંટણી પંચના અધિકારીઓએ આશા દેવીના ઓળખ દસ્તાવેજોની ચકાસણી કરી તો સામે આવ્યું કે તેના આધાર કાર્ડમાં પણ જન્મ તારીખ ૧ જાન્યુઆરી ૧૯૦૫ જ લખેલી છે. આશા દેવી હાલ હયાત છે અને તમામ ચૂંટણીઓમાં મતદાન પણ કરે છે. વેરિફિકેશન દરમિયાન પાડોશીઓએ પણ કહ્યું કે આશા દેવી ખરેખર ૧૦૦ વર્ષથી વધુ વયના છે.

બીજી તરફ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ દ્વારા મતદારોની એક યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વારાણસીમાં રામકમલ દાસના ૫૦થી વધુ પુત્રો આ મતદાર યાદીમાં દર્શાવવામાં આવ્યા છે. કોંગ્રેસે મતદાતા ચોરીનો આરોપ લગાવીને ચૂંટણી પંચ સમક્ષ કાર્યવાહીની માગણી કરી હતી. મતદાર યાદીમાં જે સરનામુ અપાયું છે તે રામ જાનકી મઠ મંદિર છે. અહીંના સંચાલક રામભરત શાસ્ત્રીએ કહ્યું હતું કે એ હકીકત છે કે આ તમામ લોકોના પિતાનું નામ એક જ છે. જોકે તેઓ તેમના વાસ્તવિક પિતા નથી, આ તો ગુરુ શિષ્યની પરંપરા છે. જે લોકો આશ્રમમાં રહેવા આવ્યા તેમણે અગાઉનું જીવન ત્યજીને નવુ જીવન શરૂ કર્યું અને ગુરુનું નામ પિતાના સ્થાને લખાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *