ભારતીય મૂળની 6 વર્ષની એક બાળકી પર આયર્લેન્ડના વોટરફોર્ડ શહેરમાં વંશીય હુમલો કરવામાં આવ્યો હતો. સોમવારે (4 ઓગસ્ટ) સાંજે ઘરની બહાર રમતા સમયે અમુક છોકરાઓએ તેને ઘેરીને ‘ગો બેક ટુ ઇન્ડિયા’ કહીને ઢોર માર માર્યો. એવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, તેમણે બાળકીના પ્રાઇવેટ પાર્ટ પર સાઇકલ મારી અને તેના ચહેરા પર પણ મુક્કા માર્યા હતા.
ઘટનાના સમયે બાળકની માતા અને પોતાના 10 મહિનાના દીકરાને દૂઘ પીવડાવવા માટે ઘરની અંદર ગઈ હતી. બાળકીની માતાએ જણાવ્યું કે, મારી નજર બહાર હતી, પરંતુ જ્યારે નાનો દીકરો રડવા લાગ્યો તો હું થોડો સમય અંદર ગઈ. ત્યારબાદ મારી દીકરી રડતા-રડતા ઘરમાં આવી પરંતુ કંઇ બોલી ન શકી. થોડીવાર પછી તેની એક મિત્રએ જણાવ્યું કે, આશરે 12થી 14 વર્ષના પાંચ છોકરાઓએ તેના ચહેરા પર મુક્કા માર્યા અને સાઇકલનું પૈડું પ્રાઇવેટ પાર્ટમાં માર્યું. અન્ય એક 8 વર્ષની છોકરી પણ આ ઘટનાનો ભોગ બની હતી. હુમલો કરનાર બાળકો સતત મારી દીકરીને ગંદી ગાળો ભાંડતા હતા.
મળતી માહિતી મુજબ, બાળકીની માતા વ્યવસાયે નર્સ છે અને છેલ્લાં આઠ વર્ષથી આયર્લેન્ડમાં રહે છે, હાલમાં જ તે આયરિશ નાગરિક બની છે. તેણે કહ્યું કે, ‘હવે અમે અહીં સુરક્ષિત અનુભવ નથી કરી રહ્યા. મારી દીકરી હવે ઘરની બહાર રમવા જવા માટે પણ ડરે છે. હું ખૂબ દુઃખી છું કે, હું મારી દીકરીને સુરક્ષિત ન રાખી શકી.’
બાળકીની માતાએ આ ઘટનાની ફરિયાદ ગર્દા (આઇરિશ પોલીસ)ને કરી પરંતુ, કોઈ સજાની માંગ નથી કરી. બાળકીની માતાનું કહેવું છે કે, ‘હું ઈચ્છું છું કે, તેમને કાઉન્સિલિંગ અને યોગ્ય દિશા આપવામાં આવે. અમે અહીં પ્રોફેશનલ્સ છીએ, અમારે આયર્લેન્ડમાં કામ કરવા માટે ખૂબ મહેનત કરી છે.’
નોંધનીય છે કે, આ ઘટનાએ આયર્લેન્ડમાં ભારતીય સમુદાયની સુરક્ષાને લઈને ચિંતા વધારી દીધી છે. ગત મહિને ડબલિનના એક ઉપનગરમાં એક 40 વર્ષીય ભારતીય વ્યક્તિને પણ કિશોરોએ ઢોર માર માર્યો હતો અને જાહેરમાં નગ્ન કરી દીધો હતો. 19 જુલાઈ બાદ ડબલિન સુધીમાં ત્રણ ભારતીયો હુમલાના કેસ સામે આવ્યા છે.
