ગુજરાતમાં 10 વર્ષમાં બટાટાનું ઉત્પાદન 12 લાખ મેટ્રિક ટન વધ્યું પણ ખેડૂતો ઠેરના ઠેર, કંપનીઓના કારણે નથી મળતો ભાવ

Latest News અપરાધ કાયદો ગુજરાત

ગુજરાતમાં બટાટાનાં ઉત્પાદનમાં છેલ્લા 10 વર્ષમાં 1239769 મેટ્રિક ટનનો વધારો જોવા મળ્યો છે. પરંતુ તેની સામે યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો ઠેરના ઠેર રહ્યા છે. ખેડૂતો તેનું મૂળ કારણ કોન્ટ્રાકટ ફાર્મિંગ હોવાનું જણાવી રહ્યા છે. કારણકે, કોન્ટ્રાકટ ફાર્મિંગના વાવેતર તથા ઉત્પાદનમાં મોટો ઉછાળો નોંધાયો છે અને ઉત્પાદન વધતા ભાવમાં ઘટાડો થવાથી ખેડૂતો પીસાઈ રહ્યા છે.

વિશ્વમાં બટાટાનું વાર્ષિક ઉત્પાદન 38.3 કરોડ મેટ્રિક ટન છે. ભારત 6 કરોડ મેટ્રિક ટનના ઉત્પાદન સાથે ચીન પછી બીજા ક્રમે છે. ભારતમાં ગુજરાતનું પ્રોડકશન નોંધપાત્ર છે. ગયા વર્ષે ગુજરાતે 48 લાખ મેટ્રિક ટન ઉત્પાદન કર્યું હતું, તેની સામે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા તેમની હાલત કફોડી બની છે. ગત વર્ષે બટાટાના 20 કિલોના 230થી 250નો ભાવ ખેડૂતોને મળ્યો હતો. તેની સામે આ વર્ષે ફક્ત 120થી 140 જેટલો જ ભાવ મળી રહ્યો છે.

ખેડૂતો જ્યારે વાવેતર કરે ત્યારે તેને વિશે 40,000 થી 45,000 હજારનો ખર્ચ થાય છે. તેની સામે ઉત્પાદન 30,000થી 35,000 હજારનું મળે છે. બીજી બાજુ દર વર્ષે કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો થયા કરે છે. ગત વર્ષે પ્રતિ કિલોએ આઠ માસનું ભાડુ 2.60 રૂપિયા હતું, ત્યારે આ વર્ષે 2.70 રૂપિયા ભાડુ કરવામાં આવ્યું છે. વધતા જતાં ભાડાના કારણે ખેડૂત કોલ્ડ સ્ટોરેજમાં બટાટા સંગ્રહ કરી શકતો નથી તેની સામે ઉત્પાદનમાં મોટા વધારાને કારણે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કંપની દ્વારા બટાટા છૂટક માર્કેટમાં ઠાલવવામાં આવી રહ્યા છે. જેના કારણે ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કંપનીઓ છૂટક માર્કેટમાં પોતાના બટાટા વેચવાનું બંધ કરે તો ભાવમાં સુધારો આવી શકે છે.

ગુજરાતમાં બટાટાનું વાવેતર-ઉત્પાદન

 

વર્ષ હેક્ટર ઉત્પાદન (મે.ટન)
2015-16 112400 3549380
2016-17 122528 3797816
2017-18 133292 3806945
2018-19 124646 3707693
2019-20 121653 3706115
2020-21 125863 3896569
2021-22 128734 3921963
2022-23 131503 3983859
2023-24 134858 4116974
2024-25 156280 4789149

 

આ મુદ્દે ખેડૂત લક્ષ્મણ ચૌધરીએ જણાવ્યું કે, ઉતર ગુજરાત પોટેટો કોન્ટ્રાક્ટ ફાર્મર એસોસિએશન દ્વારા નક્કી કરેલા ભાવ કંપનીઓ આપતી નથી. એસોસિએશન દ્વારા 20 કિલોના 267 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ, કંપનીઓ દ્વારા માત્ર 240 રૂપિયા ચૂકવાયા છે.

આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કંપનીઓ દ્વારા ખેડૂતો સાથે બટાટાના વાવેતર અને ઉત્પાદન માટે કરાર કરવામાં આવે છે. જેમાં અગાઉથી જ કંપની દ્વારા બટાટાના ભાવ નક્કી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં ખેડૂતોને બિયારણ અને સમયાંતરે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. જ્યારે બટાટા તૈયાર થઈ જાય ત્યારે કંપનીઓ દ્વારા નક્કી કરેલા ભાવે ખરીદી લેવામાં આવે છે.

કિસાન સંઘના મહામંત્રી રમેશ પટેલે જણાવ્યું કે, કોન્ટ્રાકટ ફાર્મિંગના કારણે વાવેતરમાં વધારો થયો છે. કારણકે કંપનીઓ પહેલાથી જ બટાટાના ભાવ નક્કી કરીને વાવેતર કરાવે છે. પરંતુ કંપનીઓ કંપનીઓ પ્રોડકટ બનાવવાને બદલે છૂટક માર્કેટમાં બટાટા ઠાલવે છે. જેના કારણે માર્કેટમાં જથ્થો વધતાં ભાવમાં ઘટાડો નોંધાયો છે.

આ સિવાય કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન પ્રમુખ સુખદેવ ગેહલોતે જણાવ્યું કે, બટાટાની ખોદણી સમયે વાતાવરણ સારુ હોવાના કારણે કોઈપણ સ્થળે બટાટાનો બગાડ થયો નથી જેના કારણે ઉત્પાદનના જથ્થામાં મોટો વધારો થયો છે. જથ્થો વધતા ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *