મુન્દ્રાના જુના બંદર રોડ પર દાદાવાડી સામે બુધવારે સાંજે ક્રેઈનની અડફેટે આવી જતાં સાયકલ સવાર આધેડનું ગંભીર ઇજાઓ થવાના કારણે સ્થળ પર જ મોત નીપજયું હતું. ભારે વાહન થકી અવાર નવાર અકસ્માતના બનતા બનાવને લઈ આસપાસના લોકોમાં આક્રોશ સાથે માર્ગ પર બેસીને રસ્તા રોકો આંદોલન કરી વાહનોનો ચક્કાજામ સર્જીને ઉગ્ર વિરોધ કર્યો હતો. પોલીસે વાહન ચાલકની અટકાયત કરીને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.
બુધવારે સાંજે પાંચથી સાડા પાંચ વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો. મુન્દ્રાના ખારવા ચોકમાં રહેતા 55 વર્ષીય ઉમેદભાઈ જલેન્દ્રભાઈ ઝાલા રોકડીયા હનુમાનજીના મંદિરે દર્શન કરી રહ્યા હતા. ત્યારે ક્રેન ચાલકે અડફેટે લેતાં ઉમેદભાઈ રોડ પર પટકાયા હતા અને ક્રેન નીચે આવી જતાં ગંભીર ઈજા પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.
મુન્દ્રાના જુના બંદર વિસ્તારમાં ભારે વાહનની અવર જવરને કારણે અવાર નવાર અકસ્માતના બનાવો બનતા હોઈ આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. અને આ ભારે વાહનો અહીંથી પસાર ન થવા અંગે જ્યાં સુધી તંત્ર બાયધરી નહીં આપે, ત્યાં સુધી રોડ પર બેસી રહી ઉગ્ર વિરોધ કર્યો હતો. બનાવને લઇ મુન્દ્રા પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. ક્રેન ચાલકની અટકાયત કરી લેવામાં આવી હતી. મુન્દ્રા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
