અમદાવાદમાં મિશન ફોર મિલિયન ટ્રી ઝૂંબેશ અંતર્ગત હાલમાં રોપા-વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. ઈન્ટરનેશનલ કાઉન્સિલ ફોર લોકલ એન્વાયરમેન્ટ ઈનિસિએટીવ્સ દ્વારા શહેરના વૃક્ષ વિસ્તારને લઈ સરવે કરાયો હતો. આ સરવેમાં બાર વોર્ડના વૃક્ષ વિસ્તારમાં વર્ષ 2012-2024 સુધીમાં ઘટાડો નોંધાયો છે. વટવામાં સૌથી વધુ 41 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.
વૃક્ષ ઘટવા પાછળ વિવિધ પ્રોજેક્ટ માટે કપાયેલા વૃક્ષો કારણભૂત છે.જયારે ઈન્દ્રપુરી, કુબેરનગર ઉપરાંત સૈજપુર જેવા વોર્ડના વૃક્ષ વિસ્તારમાં એરીયામાં 100 થી 200 ટકા વધારો નોંધાયો છે.
વર્ષ-2012માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા વૃક્ષોને લઈ સરવે કરાયો હતો. 2012માં વૃક્ષોની ગણતરી કરાઈ એ વૃક્ષોનુ છત્ર તેના વ્યાપ અને જે તે વોર્ડમાં કેટલા વિસ્તારમાં (હેકટરમાં) વૃક્ષો આવેલા છે જેવી બાબતોને ધ્યાનમા લઈ વૃક્ષોની ગણતરી કરાઈ હતી. ત્યારે શહેરમાં 6.18 લાખ વૃક્ષો હતા. એ સમયે શહેરના ક્ષેત્રફળ અનુસાર, તે જમીનના 4.66 ટકા હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં શહેરના વિવિધ વોર્ડમાં ચાલીસ લાખ રોપાં-વૃક્ષો વાવવામાં આવશે. રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીના કહેવા મુજબ, 29 જુલાઈ સુધીમાં કુલ 20.42 લાખ રોપા-વૃક્ષો વાવવામાં આવ્યા છે. 31 ઓગસ્ટ સુધીમાં બાકીની કામગીરી પૂરી કરવી હોય તો રોજ 64 હજાર રોપા-વૃક્ષો વાવવા પડશે. ઈન્ટરનેશનલ કાઉન્સિલ ફોર લોકલ એન્વાયરમેન્ટના ગ્રીન કવરના સરવેમાં જે વિગત સામે આવી છે, તેને જોતા વટવા વોર્ડમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં વૃક્ષો કપાયા છે. આ જ સ્થિતિ મણિનગર વોર્ડમાં પણ જોવા મળી છે. ખાડિયા વોર્ડમાં વૃક્ષારોપણ માટે કોઈ ખુલ્લા પ્લોટ જ મળે એવી સ્થિતિ નથી રહી.
અમદાવાદમાં 5.90 લાખ વૃક્ષની ગણતરી મ્યુનિસિપલ કોર્પોરેશને સાર નામની એજન્સીને શહેરના 48 વોર્ડમાં આવેલા વૃક્ષોની ગણતરી કરવાની કામગીરી આપી છે. અત્યાર સુધીમાં 5.90 લાખ વૃક્ષોની ગણતરી પૂરી થઈ છે.
