તા. ૩૧-૮-૨૦૨૪ના રોજ સવારે ૮ વાગ્યાના સુમારે તથા અગાઉ બે મહિના પહેલા સફાઈના બહાને ધો.-૪માં અભ્યાસ કરતી ૯ વર્ષની વિદ્યાર્થિનીને રૂમમાં બોલાવી હતી. રૂમમાં આચાર્યએ વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરવા સાથે છેડતી કરી હતી. ઘટનાની જાણ પરિવારે કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આચાર્યની ધરપકડ કરી હતી.
કપડવંજ સ્પે. પોક્સો સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા ૧૯થી વધુ દસ્તાવેજી પુરાવા અને ૯ મૌખિક પુરાવા રજૂ કરાયા હતા. કોર્ટે ભોગ બનનાર વિદ્યાર્થિની, નજરે જોનાર બાળ સાક્ષી, ડૉક્ટર અને ફરિયાદની જુબાનીને મહત્વની ગણી હતી. કપડવંજ સેશન્સ કોર્ટના સ્પે.પોક્સો જજ કે.એસ.પટેલે આરોપી અખ્તરઅલી મહેબુબમીયા સૈયદ (રહે. અહેમદ રજાપાર્ક સોસાયટી, તા. કઠલાલ મૂળ રહે. પીઠાઈ, સૈયદવાડો)ને જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમની વિવિધ કલમો હેઠળ ૬ વર્ષની સશ્રમ કેદની સજા અને રૂા. ૧ લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આરોપી દંડની રકમ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા ભોગવવા આદેશ કર્યો છે. ભોગ બનનાર વિદ્યાર્થિનીને રૂા. ૧ લાખ જોગવાઈ મૂજબ ચૂકવવા પણ જણાવ્યું છે.
