રુપિયા પંદરહજાર કરોડનું વાર્ષિક બજેટ ધરાવતા મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક પોલ સામે આવી છે.આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ ટેકનોલોજીની સુફીયાણી વાતો થાય છે. પરંતુ શહેરના સૌથી વધુ પોશ ગણાતા એવા સિંધુભવન રોડ અને એસ.જી.હાઈવે ઉપર એકપણ સી.સી.ટી.વી.કેમેરા જ નથી.પાલડી વિસ્તારમાં કોર્પોરેશનનુ કમાન્ડ કંટ્રોલ સેન્ટર આવેલુ છે.જયાં આ બે વિસ્તારના લોકેશન કે આ બંને રોડ ઉપર ભરાયેલા વરસાદી પાણી અંગે વિગત જોવા મળતી નથી.
રવિવારે અમદાવાદમાં દિવસભર વરસાદ વરસ્યો હતો. વરસાદના સમયમાં ઓનસ્પોટ જવાના બદલે મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ પાલડી ખાતે આવેલા સ્માર્ટસિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે જઈને બેઠા હતા.વિપક્ષનેતાએ કરેલા આક્ષેપ મુજબ,તે જયારે કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે જઈ પહોંચ્યા એ સમયે સિંધુભવન રોડ અને એસ.જી.હાઈવે ઉપરના સી.સી.ટી.વી ફુટેજ જોવા મળ્યા નહતા. આ અંગે તેમણે સ્થળ ઉપર હાજર કોર્પોરેશનના અધિકારીઓને પુછતા તેમણે કહયુ, આ બંને રોડ ઉપર હજુ સુધી એકપણ સી.સી.ટી.વી.કેમેરા લગાવાયા નથી.દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ, કોર્પોરેશનની હદમાં સમાવાયેલા જે વિસ્તારમાં હજુ સુધી સી.સી.ટી.વી.કેમેરા લગાવાયા નથી તેવા વિસ્તારોમાં સી.સી.ટી.વી.કેમેરા લગાવવા આગામી સમયમાં ટેન્ડર કરવામા આવશે.
રવિવારે અમદાવાદના દક્ષિણ ઝોનમાં સરેરાશ પાંચથી છ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો. અનેક વિસ્તારોમાં કલાકો સુધી પાણી ઓસરી શકયા નહતા.કલાકો સુધી ભરાયેલા વરસાદી પાણીની વચ્ચે હાલાકી ભોગવતા લોકોની સ્થિતિ જાણવા સોમવારે શહેરના મેયર સહિત પાંચ પદાધિકારીઓ અને પાણી સમિતિના ચેરમેન વટવા અને લાંભા વોર્ડનો રાઉન્ડ લેવા પહોંચ્યા હતા.
