અમદાવાદ, હાલમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા અમદાવાદમાં સવારે ૬:૨૦ વાગ્યાથી રાત્રિના ૧૧:૦૦ વાગ્યા સુધી અને ગાંધીનગરમાં સવારે ૬:૨૦ વાગ્યાથી રાત્રિના ૯:૦૦ વાગ્યા સુધી મેટ્રો ટ્રેન સેવાઓ નિયમિત રીતે ચલાવવામાં આવે છે.
આવનારા દિવાળીના તહેવારની ઉજવણી દરમિયાન જાહેર માર્ગો અને પરિસરમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવતા હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુરક્ષા તેમજ મેટ્રો રેલના સલામત સંચાલનને અગ્રતા આપતા, તથા અન્ય મેટ્રો રેલ પ્રણાલીઓની ઉત્કૃષ્ટ પ્રથાઓને અનુસરીને માત્ર દિવાળીના દિવસે એટલે કે તા. ૮/૧૧/૨૦૨૬ ના રોજ મેટ્રો ટ્રેન સેવાઓનો સમય સવારે ૬:૨૦ કલાકથી સાંજે ૭:૦૦ કલાક સુધી મર્યાદિત કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દિવાળીના દિવસે તા. ૮/૧૧/૨૦૨૬ ના રોજ વિવિધ કોરિડોર પર છેલ્લી ટ્રેનના પ્રસ્થાનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ કોરિડોર પર છેલ્લી ટ્રેન વસ્ત્રાલ ગામથી સાંજે ૭:૦૦ વાગ્યે અને થલતેજ ગામથી સાંજે ૭:૦૫ વાગ્યે ઉપડશે. એપીએમસીથી કોટેશ્વર રોડ રૂટ પર એપીએમસીથી સાંજે ૭:૦૮ વાગ્યે અને કોટેશ્વર રોડથી સાંજે ૭:૦૫ વાગ્યે છેલ્લી ટ્રેન રવાના થશે.
જ્યારે ગાંધીનગર કોરિડોર પર એપીએમસીથી મહાત્મા મંદિર માટે સાંજે ૫:૩૦ વાગ્યે તથા મહાત્મા મંદિરથી સાંજે ૬:૦૮ વાગ્યે, અને એપીએમસીથી ગિફ્ટ સિટી માટે સાંજે ૫:૧૬ વાગ્યે તથા ગિફ્ટ સિટીથી સાંજે ૬:૨૧ વાગ્યે છેલ્લી ટ્રેન ઉપડશે. મેટ્રો તંત્ર દ્વારા તમામ મુસાફરોને આ બદલાયેલા સમયની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.
