ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં 15,000 રનનો ઐતિહાસિક આંકડો પાર કર્યા બાદ પોતાની સફળતાનું રહસ્ય જાહેર કર્યું છે. 27 સપ્ટેમ્બરના રોજ તિરુવનંતપુરમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમતાં કોહલીએ અણનમ 139 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેમણે પોતાની વનડે કારકિર્દીની 55મી સદી ફટકારી હતી અને સાથે જ વનડે ફોર્મેટમાં 15,000 રન પૂરા કરનારા સચિન તેંડુલકર પછીના વિશ્વના માત્ર બીજા બેટ્સમેન બનવાની સિદ્ધિ મેળવી છે.
જો તમે આંકડાઓના નજરિયાથી જુઓ તો 15,000 રન એ ઘણો મોટો આંકડો છે. જોકે મારું લક્ષ્ય હંમેશાં સરળ રહ્યું છે—ગમે તેવી વિષમ પરિસ્થિતિઓમાંથી ટીમને જીત અપાવવી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબો સમય ટકી રહેવા માટે માત્ર વ્યક્તિગત સિદ્ધિઓ પાછળ ભાગવું યોગ્ય રસ્તો નથી. તમે આટલા લાંબા સમય સુધી માત્ર નંબર્સ માટે ન રમી શકો; જો તમે આંકડાઓ પાછળ ભાગશો તો મૂળ લક્ષ્ય સાથે સમાધાન થઈ જશે. 15,000 રનની આ સિદ્ધિ ટીમની જીત સાથે આવી છે, એટલે તેની ખુશી બમણી થઈ જાય છે.શુભમન ગિલ સાથે બેટિંગ કરવા અંગે કોહલીએ જણાવ્યું કે બંને વચ્ચે ક્રિઝ પર બહુ વાતો કરવાની જરૂર પડતી નથી, કારણ કે ગિલ પોતાની જવાબદારી અને રમતને બહુ સારી રીતે સમજે છે.
અનુભવના આધારે તેઓ માત્ર શૉટ સિલેક્શન કે કન્ડિશન્સ અંગે ચર્ચા કરે છે. કોહલીએ જણાવ્યું કે બંને વચ્ચે સૌથી વધુ વાતચીત ફિલ્ડિંગ દરમિયાન થાય છે, જ્યાં કેપ્ટન પાસે અનેક નિર્ણયો લેવાના હોય છે અને જુદા જુદા વિચારોનું આદાન-પ્રદાન મદદરૂપ સાબિત થાય છે.ગિલની કેપ્ટનશીપની પ્રશંસા કરતાં કોહલીએ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ ખેલાડીને સુકાનીપદ એમ જ નથી સોંપવામાં આવતું. શુભમન પાસે રમતને યોગ્ય રીતે સમજવાનો અને ટીમને વિજય તરફ દોરી જવાનો સાચો અભિગમ છે.
ડ્રેસિંગ રૂમ અને ટીમના વાતાવરણ અંગે કોહલીએ ઉમેર્યું કે મેદાન પર પ્રોફેશનલ અભિગમ જાળવવાની સાથે ટીમના માહોલને હળવો રાખવો જરૂરી છે. જ્યારે સિનિયર ખેલાડીઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ શાંત અને હસમુખા રહે છે, ત્યારે યુવા ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે છે અને તેઓ દબાણની સ્થિતિને સરળતાથી સંભાળી શકે છે.
