કચ્છના ખાવડા નજીક આવેલા RE પાર્ક તરફ જવાના માર્ગ પર ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શ્રમિકોને લઈ જઈ રહેલી પિકઅપને એક પુરપાટ ઝડપે આવતી ટ્રકે જોરદાર ટક્કર મારતાં સર્જાયેલી આ દુર્ઘટનામાં 7 જેટલા શ્રમિકોનાં મોત નીપજ્યાં હતા. RE પાર્ક વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં જાનહાનિ ધરાવતો આ પહેલો અકસ્માત હોવાથી લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોડી રાત્રે શ્રમિકોને લઈને જઈ રહેલી પિકઅપ જ્યારે RE પાર્ક તરફના રસ્તા પરથી પસાર થઈ રહી હતી. ત્યારે સામેથી આવતી ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી. આ પિકઅપમાં 15થી વધુ શ્રમિકો સવાર હતા. આ અકસ્માતમાં 7 શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય કેટલાક શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ઈમરજન્સી સેવાઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઈજાગ્રસ્તોને રેસ્ક્યૂ કરી સારવાર અર્થે પહોંચાડ્યા હતા અને તમામ 7 મૃતકોના મૃતદેહોને ખાવડાથી ભુજ ખાતે પોસ્ટમોર્ટમ (PM) અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. RE પાર્ક વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં જાનહાનિ ધરાવતો આ પહેલો અકસ્માત હોવાથી લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની સઘન તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
