મધ્ય રેલ્વે પર દિવા અને મુમ્બ્રા વચ્ચે બે ભીડભાડવાળી લોકલ ટ્રેનોમાંથી પડી જવાથી ચાર મુસાફરોના મોત અને નવ અન્ય ઘાયલ થવાના સંદર્ભમાં સેન્ટ્રલ રેલ્વેના બે એન્જિનિયરો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
આ ઘટના ૯ જૂનના રોજ દિવા અને મુમ્બ્રા રેલ્વે સ્ટેશનો વચ્ચે બની હતી. જ્યારે એક લોકલ કસારા તરફ અને બીજી સીએસએમટી તરફ જઈ રહી હતી. લોકલ તીવ્ર વળાંકમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મુસાફરો પડી ગયા.
રેલવે પોલીસના જણાવ્યા અનુસાર, દરવાજા પર ઉભેલા કેટલાક મુસાફરોના બેગ એકબીજા સાથે અથડાયા હતા અને તેઓ પાટા પર પડી ગયા હતા. રેલવે પોલીસ દ્વારા તપાસ બાદ, આ ઘટનામાં સેન્ટ્રલ રેલ્વેના સિનિયર ડિવિઝનલ એન્જિનિયર અને ડિવિઝનલ એન્જિનિયર સામે કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે થાણે રેલવે પોલીસે અગાઉ આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે, એમ રેલવે પોલીસ અધિકારીએ માહિતી આપી હતી. દરમિયાન, સેન્ટ્રલ રેલ્વેના મુંબઈ ડિવિઝને મુમ્બ્રા અકસ્માતની સંપૂર્ણ તપાસ હાથ ધરી છે અને તેની પાછળના કારણો શોધી કાઢ્યા છે, એમ સેન્ટ્રલ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું.
