શનિવારે અનંત ચતુર્દશીના અવસરે, રાજ્યભરમાં ગણપતિ વિસર્જન થવાનું હતું ત્યારે મુંબઈને બોમ્બથી ધમકી મળી હતી. શુક્રવારે, ટ્રાફિક પોલીસના વોટ્સએપ પર સંદેશ મળ્યો હતો કે ૩૪ વાહનોમાં માનવ બોમ્બ અને ૪૦૦ કિલો આરડીએક્સ મૂકવામાં આવ્યા છે. અનંત ચતુર્દશીની પૃષ્ઠભૂમિમાં ધમકી મળતાં પોલીસ વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું હતું. આખરે, આ અવરોધ દૂર કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના નોઈડા પોલીસે ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી છે અને તેને હવે વધુ પૂછપરછ માટે મુંબઈ લાવવામાં આવી રહ્યો છે.
નોઈડા પોલીસે ધરપકડ કરાયેલા આરોપીનું નામ અશ્વિન કુમાર સુપ્રા (૫૦) છે. તે મૂળ બિહારનો છે અને છેલ્લા પાંચ વર્ષથી નોઈડામાં રહે છે. ધમકી આપવા માટે આરોપીએ જે ફોન અને સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો તે જપ્ત કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ હવે આ મામલાની વધુ તપાસ કરશે.
આરોપીને નોઈડાના સેક્ટર ૧૧૩માંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા મોકલવામાં આવેલા સંદેશમાં કહેવામાં આવ્યું હતું કે ૩૪ જેટલી કારમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે.અને વિસ્ફોટ પછી આખું મુંબઈ ધ્રૂજી જશે. આ સંદેશમાં “લશ્કર-એ-જેહાદી” સંગઠનનું નામ પણ જણાવવામાં આવ્યું હતું અને ૧૪ પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસી ગયા છે.
સંદેશમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ૪૦૦ કિલો આરડીએક્સ ના વિસ્ફોટથી એક કરોડ જેટલા લોકો માર્યા જશે. આ ચેતવણી પછી, મુંબઈ પોલીસે તાત્કાલિક સંબંધિત અધિકારીઓને જાણ કરી. તમામ પોલીસને પણ સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
એક અણ્ગ્રેજી અખબારના અહેવાલ મુજબ, એફઆઇઆરમાં ઉલ્લેખિત માહિતી અનુસાર, અશ્વિને તેના મિત્ર ફિરોઝને ફસાવવા માટે મુંબઈ ટ્રાફિક પોલીસને બોમ્બ વિસ્ફોટની ધમકી આપી હતી. ૨૦૨૩ માં પટનાના ફુલવારી શરીફમાં ફિરોઝ દ્વારા નોંધાયેલા ગુના બાદ અશ્વિને ત્રણ મહિના જેલમાં રહેવું પડ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે અશ્વિને આનો બદલો લેવા માટે મુંબઈ ટ્રાફિક પોલીસના નંબર પર ફિરોઝના નામે ધમકીભર્યો સંદેશ મોકલ્યો હતો.

