પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મીરા રોડમાં તેલંગાણા રાજ્યમાંથી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવી રહ્યું છે.મીરા- ભાયંદર વસઈ-વિરાર પોલિસની ક્રાઇમ બ્રાન્ચ સેલ ૪ ની ટીમે તેલંગાણા રાજ્યમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પર દરોડો પાડીને કરોડો રૂપિયાના ડ્રગ્સ જપ્ત કર્યા છે.
પોલીસે મીરા રોડમાં ડ્રગ્સનો વેપાર કરતી 10 લોકોની ગેંગની ૮ ઓગસ્ટના રોજ ધરપકડ કરી હતી. આ ગેંગમાં એક બાંગ્લાદેશી મહિલા સામેલ હતી. આ ગેંગ પાસેથી ૨૩ લાખ રૂપિયાનું મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ ૪ ટીમને સોંપવામાં આવી હતી.
આ જ તપાસ દરમિયાન, આરોપીઓએ માહિતી આપી હતી કે તેલંગાણા રાજ્યમાંથી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવી રહ્યું હતું. તે મુજબ, ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી. આ તપાસ દરમિયાન, એવું જાણવા મળ્યું કે તેલંગાણાના ચેરાપલ્લી શહેરની નવોદય કોલોનીમાં ડ્રગ ફેક્ટરી કાર્યરત હતી. પોલીસે આ ફેક્ટરી સામે કાર્યવાહી કરી અને શ્રીનિવાસ વિજય વોલેટી અને તાનાજી પંઢરીનાથ પટવારીની ધરપકડ કરી.
આ ડ્રગ્સ દાણચોરી કેસમાં પોલીસે કુલ ૧૨ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ૫ કિલો ૯૬૮ ગ્રામ એમડી (મેફેડ્રોન) ડ્રગ, ૨૭ મોબાઇલ ફોન, ૩ ફોર વ્હીલર અને એક ટુ વ્હીલર, ૪ ઇલેક્ટ્રિક વજનના કાટા, એમડી બનાવવા માટે વપરાતી સામગ્રી, અને કરોડો રૂપિયાની અન્ય કિંમતી વસ્તુઓ જપ્ત કરી છે.
આ કાર્યવાહી ક્રાઇમ ડિટેક્શન બ્રાન્ચ 4૪ ના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રમોદ પ્રમોદ બડખ, સહાયક પોલીસ ઇન્સ્પેક્ટર પ્રશાંત ગાંગુર્ડે, દત્તાત્રય સારક, પુષ્પરાજ સુર્વે, સચિન સનપ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ઉમેશ ભાગવત, સંદીપ શિંદે, શ્રીમંત જેઠા અને તેમની ટીમ દ્વારા નાયબ પોલીસ કમિશનર સંદીપ ડોઇફોડેના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.

