મેડિકલ સ્ટુડન્ટથી હાસ્ય કલાકાર અને અભિનેતા બનવાની પ્રેરણાદાયી વાર્તા
સ્નેહલ મહેતા મુંબઈ
ફિલ્મો, થિયેટર, સ્ટેન્ડ-અપ કોમેડી, પત્રકારત્વ અને શિક્ષણ — આ બધું એક સાથે સંભાળવું સહેલું નથી.
પણ ઓજસ રાવલ માટે આ બધું જીવનનો સ્વભાવ બની ગયું છે.
સાયન્સના વિદ્યાર્થીથી લઈને ફિલ્મના મુખ્ય પાત્ર સુધીની આ સફર જેટલી રસપ્રદ છે, એટલી જ પ્રેરણાદાયી પણ છે.
એમની સાથે થયેલી આ રસપ્રદ વાતચીતમાં જાણીશું એમનો સંઘર્ષ, પ્રવાસ અને હાસ્યની દુનિયા પાછળનું ગંભીર મન.
પ્રશ્ન: તમારી શરૂઆત કેવી રીતે થઈ? શું તમે હંમેશાં નક્કી કર્યું હતું કે ફિલ્મોમાં જ જવું છે?
ઓજસ રાવલ:
ના, એવું ક્યારેય નક્કી નહોતું. સ્કૂલ-કોલેજથી કલા પ્રત્યે રુચિ તો હતી, પણ હું સાયન્સનો વિદ્યાર્થી હતો અને મેડિકલ ફિલ્ડમાં જવાનું નક્કી કર્યું હતું.
દસમા પછી સાયન્સ લાઈન લીધી, અને પછી ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયો. ત્યાં મેડિકલ ભણ્યો.
પરંતુ 2000 આસપાસ જ્યારે પાછો ભારત આવ્યો, ત્યારે કલા ક્ષેત્રે કામ શરૂ થયું — ફિલ્મ, ટેલિવિઝન, થિયેટર, સ્ટેન્ડ-અપ કોમેડી — બધું એકસાથે શરૂ થયું અને ધીમે ધીમે એ જ જીવન બની ગયું.
પ્રશ્ન: સ્ટેન્ડ-અપ કોમેડીનો વિચાર ક્યારે અને કેવી રીતે આવ્યો?
ઓજસ રાવલ:
હું નાનપણથી જ રમૂજી સ્વભાવનો હતો. સોસાયટીની મીટિંગ હોય, પરિવારનું ફંક્શન કે ક્લાસરૂમ — હસાવવાનો સ્વભાવ હતો.
અમેરિકા જતાં નાના-નાના ઇવેન્ટ્સમાં એન્કરિંગ કરતો હતો. ત્યાંથી સ્ટેજ પર બોલવાની હિંમત આવી.
પછી ધીમે ધીમે સ્ટેન્ડ-અપ કોમેડી તરફ વળ્યો. ભારતમાં આવીને જ્યારે પૈસા મળવા લાગ્યા ત્યારે એ પ્રોફેશન બની ગયું.
પ્રશ્ન: પત્રકારત્વમાં કેવી રીતે આવ્યા?
ઓજસ રાવલ:
અમેરિકામાં યુનિવર્સિટી દરમિયાન સમયનો સદુપયોગ કરવા ઈચ્છતો હતો. ત્યાં ‘The Oracle’ નામના યુનિવર્સિટી છાપા સાથે જોડાયો.
કોરેસ્પોન્ડન્ટથી શરૂઆત કરી અને પછી એડિટર સુધી પહોંચ્યો.
ભારત આવ્યા પછી India Today અને Times of India માટે પણ લખ્યું — ખાસ કરીને વિદ્યાર્થી માર્ગદર્શન અને કલા વિષયક લેખો.
પ્રશ્ન: ફિલ્મોમાં એન્ટ્રી કેવી રીતે થઈ?
ઓજસ રાવલ (હસતા):
મારી ફિલ્મી એન્ટ્રી એકદમ ફિલ્મી હતી!
મારા મિત્રો હેમિન ત્રિવેદી અને પ્રેમ ગઢવી પોલમપોલ ફિલ્મ લખી રહ્યા હતા.
એક રાત એમની ઓફિસમાં સૂઈ ગયો હતો. સવારમાં ડિરેક્ટર તેજસ પડિયા આવ્યા અને મને સૂતો જોયો.
બાદમાં ખબર પડી કે એ જ મને ફિલ્મના મુખ્ય પાત્ર માટે કાસ્ટ કરવા માગે છે!
એ રીતે મારી પહેલી ગુજરાતી ફિલ્મ પોલમપોલથી શરૂઆત થઈ.
પછી મહારાણી જેવી ફિલ્મો સુધી સફર પહોંચી.
પ્રશ્ન: હિન્દી ફિલ્મોમાં કેવી રીતે પ્રવેશ થયો?
ઓજસ રાવલ:
કુંદન શાહ સાહેબની ફિલ્મ P Se PM Takથી શરૂઆત થઈ.
શરૂઆતમાં મને ઓફિસ બોય તરીકે રાખવામાં આવ્યો — ઝાડુ-પોતા, કિચન ક્લીનિંગથી શરૂ થયું!
પણ કુંદનજીએ મને ફિલ્મમેકિંગના દરેક પાસા શીખવાડ્યા — દિગ્દર્શન, સ્ક્રિપ્ટિંગ, ટેક્નિકલ જાણકારી બધું.
પછી Made in China, Rashmi Rocket જેવી હિન્દી ફિલ્મોમાં કામ મળ્યું.
પ્રશ્ન: તમે એટલી બધી ફિલ્ડમાં એકસાથે કામ કરો છો — સમય કેવી રીતે મેનેજ કરો છો?
ઓજસ રાવલ:
સમય વ્યવસ્થાપન એટલે કળા.
સ્કૂલથી જ મારી ટેવ છે કે સમયનો સદુપયોગ કરવો.
અભ્યાસ સાથે ઈતર પ્રવૃત્તિઓ કરતો. કોલેજમાં પણ એ જ ટેવ ચાલુ રાખી.
હવે પણ ફિલ્મ, થિયેટર, કોમેડી અને શિક્ષણ બધું સાથે સંભાળું છું.
મારું માનવું છે કે સમય બધા પાસે સમાન છે — એ 24 કલાકનો ઉપયોગ કોણ કેવી રીતે કરે એ સૌથી મોટો ભેદ છે.
પ્રશ્ન: શારીરિક રીતે ફીટ રહેવા માટે શું કરો છો?
ઓજસ રાવલ:
હું જીમમાં જતો નથી, પણ દરરોજ સૂર્યનમસ્કાર કરું છું.
ભોજન સમયસર લેવાનો પ્રયત્ન કરું છું. પ્રવાસ ઘણો હોય છે, એટલે હંમેશાં હેલ્ધી ખાવું મુશ્કેલ છે,
પણ શક્ય હોય તેટલું વેજીટેરિયન અને નિયમિત ખોરાક લેવાનો પ્રયાસ કરું છું.
હેલ્થ માટે કોઈ મોટી ફોર્મ્યુલા નથી — નિયમિતતા જ પૂરતી છે.
પ્રશ્ન: તમે કવિતા પણ લખો છો — કાવ્યસંગ્રહ પ્રકાશિત કરવાનો વિચાર છે?
ઓજસ રાવલ:
હાસ્ય કવિતા લખવાનો શોખ છે, પણ હજી એટલું ઘણું લખ્યું નથી કે સંગ્રહ બહાર પાડી શકું.
જ્યારે સમય મળશે, ત્યારે જરૂર કંઈક ભેગું કરીને પ્રકાશિત કરવાનો વિચાર છે.
પ્રશ્ન: તમારી લખેલી કે દિગ્દર્શિત ફિલ્મ જોવા મળશે?
ઓજસ રાવલ:
હા, મારી લખેલી ફિલ્મ દોડ પકડનું શૂટિંગ થઈ ગયું છે.
ફેઝલ હસનીએ એ ફિલ્મ ડિરેક્ટ કરી છે. રિલીઝ પ્રોસેસ ચાલી રહી છે — ટૂંક સમયમાં પ્રેક્ષકો સુધી પહોંચશે એવી આશા છે.
પ્રશ્ન: અંતે શું કહેશો — તમારી સફરથી શું શીખવા જેવું છે?
ઓજસ રાવલ:
મને લાગે છે કે જીવનમાં જે કલા તમને ખેંચે, એની સાથે લડો નહીં.
મારે ક્યારેય પ્લાન નથી કર્યો કે શું બનવું છે — જીવનએ જે તક આપી એને સ્વીકારી લીધી.
અને એ જ મારી સૌથી મોટી કમાણી છે.


Been messing around on eu88bet for a while now. I gotta say, their customer support is surprisingly helpful. Had a small issue with a withdrawal, and they sorted it out quick. Games are decent, nothing crazy but reliable. Worth a try, especially if you value good support: eu88bet.