નર્મદા કેનાલ પરના 3 પુલ ઉપર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

Latest News Uncategorized કાયદો ગુજરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગ હસ્તકના અલગ-અલગ ત્રણ પુલો પર વાહનોના પ્રવેશ અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ખમીસણાથી સુરેન્દ્રનગર જવા ચમારજ, દુધરેજ થઇ વટેશ્વર વન નજીકના કેનાલ રોડનો ઉપયોગ કરવાનો રહેશે.

સુરેન્દ્રનગરથી ખમીસણા જતા રસ્તા પર કેનાલ પર આવેલા પુલ અને મોરબી બ્રાન્ચ કેનાલનાં સુરેન્દ્રનગરથી ખમીસણા જતા રસ્તા પર આવેલા પુલ પર તમામ પ્રકારના વાહન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના વૈકલ્પિક રસ્તા તરીકે નાના વાહનો માટે ખમીસણા ગામ તરફથી સુરેન્દ્રનગર આવવા માટે ખમીસણાથી ચમારજ ગામ થઈ દૂધરેજ વડવાળા મંદીરથી દૂધરેજ વટેશ્વર વન પાસે થઈ કેનાલ વાળા રોડથી સુરેન્દ્રનગર તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

સુરેન્દ્રનગર તરફથી ખમીસણા જવા માટે સી.યુ. શાહ મેડિકલ કોલેજ વાળા રસ્તેથી નર્મદા કેનાલની ડાબી બાજુ નર્મદાના કેનાલના રોડ પર આગળ ૫૦૦ મીટર પર નર્મદા કેનાલનું નાળુ આવેલ છે. જે નાળા પરથી ધ્રાંગધ્રા તરફ જતાં રસ્તાની વચ્ચે ડાબી બાજુ ખોડુ ત્રણ રસ્તા થઈ દૂધરેજ વડવાળા મંદિરથી ચમારજ થઈ ખમીસણા તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આ ઉપરાંત મોટા તેમજ માલવાહક વાહનો માટે ખમીસણા ગામ તરફથી સુરેન્દ્રનગર આવવા માટે ખમીસણાથી દાણાવાડા ગામ, ગોદાવરી ગામ, શેખપર થઈને સુરેન્દ્રનગર તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. તેમજ સુરેન્દ્રનગર તરફથી ખમીસણા જવા માટે શેખપર ગામથી ગોદાવરી ગામ, દાણાવાડા થઈને ખમીસણા જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

આ ઉપરાંત સુરેન્દ્રનગરથી ખમીસણા જવા માટે સી.યુ.શાહ મેડીકલ કોલેજવાળા રસ્તા પરથી નર્મદા કેનાલની ડાબી બાજુ કેનાલના રોડ પર ૫૦૦ મીટર પર આવેલા પુલ પર માત્ર ભારે તેમજ મોટા માલવાહક વાહનો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના વૈકલ્પિક રસ્તા તરીકે (૧) ધ્રાંગધ્રા તરફથી આવતા મોટા વાહનોને સુરેન્દ્રનગર, લીંબડી, મુળી, ચોટીલા, રાજકોટ તરફ જવા માટે ધ્રાંગધ્રાથી કોંઢ, સરા, સરલા જતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. (૨) મુળી, ચોટીલા, રાજકોટ તરફથી આવતા મોટા વાહનોને ધ્રાંગધ્રા જવા માટે મુળી, સરલા, સરા, કોંઢ થી ધ્રાંગધ્રા જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. (૩) સુરેન્દ્રનગર, લીંબડી તરફથી આવતા વાહનોને ધ્રાંગધ્રા તરફ જવા માટે ગેબનશા સર્કલથી લખતર, વણા, માલવણ જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું પુલોના નવીનીકરણ/રીપેરીંગની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *