અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાડ ગામની એક 25 વર્ષીય યુવતીએ અનાજમાં નાખવાની દવા ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ પોતાના માતા-પિતાને સંબોધીને એક સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેણે 28 લાખ રૂપિયાના દેવાનો ઉલ્લેખ કર્યો છે. ભૂમિકા સોરઠિયાના આપઘાત કેસમાં એક નવો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ભૂમિકા ટાસ્ક-બેઝ્ડ ફ્રોડનો શિકાર બની હતી અને વધુ વળતર મેળવવાની લાલચ તેને ભારે પડી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, ભૂમિકાને ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ચેનલો દ્વારા અલગ-અલગ ટાસ્ક આપવામાં આવતા હતા. શરૂઆતમાં તેને નાના રોકાણ, જેમ કે 500 થી 7000 રૂપિયાના રોકાણનું વધુ વળતર આપવામાં આવ્યું હતું. જેથી વિશ્વાસ બેઠો હતો.
જોકે, વધુ નફાની લાલચ આપીને ભૂમિકાને એક VIP ગ્રુપમાં જોઈન્ટ કરાવવામાં આવ્યું હતું. આ ગ્રુપમાં તેને 50 હજાર, એક લાખ, અને દોઢ લાખ રૂપિયા જેવી મોટી રકમોનું રોકાણ કરવાનું કહેવામાં આવ્યું. ઠગોએ ફેક એકાઉન્ટ બનાવીને આ રોકાણ પર મોટો નફો બતાવ્યો હતો.
જ્યારે ભૂમિકા પોતાના રોકાણ કરેલા પૈસા પરત માંગતી હતી, ત્યારે ઠગબાજો તેને પૈસા પરત આપવા માટે વધુ પૈસા આપવાની માંગણી કરતા હતા. પોતાના અગાઉ રોકાણ કરેલા પૈસા પાછા મેળવવાના પ્રયાસમાં ભૂમિકા વધુને વધુ પૈસા આપતી ગઈ, જેના કારણે તે આર્થિક અને માનસિક રીતે ભાંગી પડી હતી.
યુવતીએ આત્મહત્યા પહેલાં લખેલી સુસાઇડ નોટમાં પોતાની વેદના સ્પષ્ટપણે વર્ણવી છે. નોટમાં લખ્યું છે કે
જય શ્રી ક્રિષ્ના
મમ્મી પપ્પા, હું સુસાઇડ કરું છું મને તમારાથી કોઇ વાંધો નથી. મારા પર 28 લાખ રૂપિયાનું દેવું થયું છે. એટલે આત્મહત્યા કરું છું. મારાથી આ દેવું સહન થતું નથી એટલે આ આ પગલું ભરું છું હું બસ તમારા માટે એક સારી જીંદગીનું પ્લાનિંગ કરતી હતી, પણ બધુ ઉંધુ થયું. મારા ઉપર દેવું થઇ ગયું. આ દેવું Shine.Com કંપનીમાંથી થયું છે. જો થાય તો ટ્રાય કરીને પૈસા પાછા લઇ લેજો. મારા મર્યા પછી IIFL માંથી તમને 5 લાખ રૂપિયા મળી શકશે. એની પ્રોસેસ કરીને લઇ લેજો. મને માફ કરી દેજો, મારા લીધે તમે હેરાન થશો. મમ્મી મારી છેલ્લી ઇચ્છા છે કે, મારી ડેડબોડી ઘરે આવે ત્યારે એકવાર મને ગળે લગાડી લેજો. પ્લીઝ મારી છેલ્લી ઇચ્છા છે કે પુરી દેજોને.
માફી સાથે
તમારી ભૂમિ

