નોકરની હત્યા કરી લાશ ફળિયામાં જ સળગાવી

કુતિયાણા તાલુકાના ચૌટા ગામે સવા વર્ષ પહેલાં બનેલી એક ભયાનક ઘટનાનો ભેદ આખરે પોલીસે ઉકેલી નાખ્યો છે. મઢડા ગામે સોનલ બીજની ઉજવણીમાં જવા જેવી ક્ષુલ્લક બાબતે થયેલી બોલાચાલીમાં વેપારી શેઠે પોતાના જ રસોઈયા કર્મચારીની કરપીણ હત્યા કરી, તેની લાશને પોતાના જ ઘરના ફળિયામાં સળગાવી પુરાવાનો નાશ કર્યો હોવાનું બહાર આવ્યું છે.

ઉપલેટાના પાનેલી ગામે રહેતા 64 વર્ષીય વૃદ્ધ ગોવિંદભાઈ વિસાભાઈ મેથાણીયાનો પુત્ર નરેન્દ્ર ઉર્ફે ભરત ચૌટા ગામે વેપારી માલદે દેવા નંદાણીયાની પાન-બીડીની દુકાને નોકરી કરતો હતો અને શેઠના ઘરે જ રહેતો હતો. જાન્યુઆરી 2025 ની શરૂઆતમાં નરેન્દ્ર અચાનક ગુમ થયો હતો. વેપારી શેઠે તે સમયે એવું નાટક રચ્યું હતું કે નરેન્દ્ર તેનું પાકીટ અને ફોન ઘરે મૂકીને ક્યાંક ચાલ્યો ગયો છે. લાંબી શોધખોળ બાદ પણ પુત્ર ન મળતા પિતાએ કુતિયાણા પોલીસમાં જાણવાજોગ નોંધ કરાવી હતી.

પોલીસની સઘન પૂછપરછ અને તપાસમાં હત્યારા માલદેની માતા જાહીબેને આ મર્ડર મિસ્ટ્રી પરથી પડદો ઉંચક્યો હતો. તેમની જુબાની મુજબ, તારીખ 1 જાન્યુઆરી, 2025ના રોજ નરેન્દ્રએ મઢડા ગામે સોનલ બીજની ઉજવણીમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ શેઠ માલદેએ તેને જવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગુસ્સામાં આવી માલદેએ ફળિયામાં પડેલા પથ્થરના 3-4 ઘા નરેન્દ્રના માથામાં ઝીંકી દીધા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘાતકી હત્યા કર્યા બાદ પકડાઈ જવાના ડરથી માલદેએ અત્યંત ક્રૂરતા દાખવી હતી. તેણે ઘરના ફળિયામાં જ લાકડા અને પેટ્રોલ છાંટી નરેન્દ્રની લાશને સળગાવી દીધી હતી. લાશ સંપૂર્ણ બળી ગયા બાદ, તેણે પુરાવા મિટાવવા માટે રાખ અને હાડકાના ટુકડા એક કોથળામાં ભર્યા હતા અને વેકરી કાંઠે આવેલી ભાદર નદીના વહેતા પાણીમાં પધરાવી દીધા હતા. 

પુત્રના ગુમ થયા બાદ વેપારી માલદે પણ ઘરેથી ભાગી જતાં પિતા ગોવિંદભાઈને શંકા દ્રઢ થઈ હતી. પોરબંદર પોલીસે ખાનગી રાહે તપાસ હાથ ધરીને વેપારીની માતાની પુછતાછ કરતા આ ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. હાલમાં પોલીસે હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે ટૂંક સમયમાં જ પકડાઈ જશે તેમ ડીવાયએસપી ધૂ્રવલ સુતરીયાએ જણાવ્યું હતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...