કાયદાની ‘ઉપરવટ’ કોઈ નથી! હાઈકોર્ટની ગાડી ટ્રાફીકભંગ કરે તો પણ કેસ કરવા આદેશ

Latest News અપરાધ કાયદો ગુજરાત

ગુજરાત હાઇકોર્ટે પોલીસ તંત્રને રોંગ સાઇડમાં આવતા વાહનચાલકો પર પગલાં લેવા હુકમ કર્યો હતો. પરંતુ એક ઇલેક્ટ્રોનિક મીડિયા અહેવાલથી કોર્ટના ધ્યાનમાં આવ્યું હતું કે, હાઇકોર્ટ અને ઉચ્ચ અધિકારીઓની ગાડી ટ્રાફિક નિયમોનો ભંગ કરે તો છોડી દેવામાં આવે છે. ગુજરાત હાઇકોર્ટ લખેલી ગાડી રોંગ સાઇડમાં આવતાં એક ઇલેક્ટ્રોનિક મીડિયાના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ બાબતને લઈને ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે, હાઈકોર્ટના કર્મચારી આવું કરે તોપણ ચલાવી ન લેવાય. હાઈકોર્ટ કાયદાથી પર નથી. આ કેસ પર પગલાં લો. હાઇકોર્ટ આવું કલ્ચર ઊભું કરવા માગતી નથી. આવી સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવાની કોઈને જરૂર નથી. હાઈકોર્ટ ન્યૂસન્સ ટાળવા પગલાં લેતી હોય છે. હાઈકોર્ટના જ કર્મચારીઓ આવું કરે એ ચલાવી લેવાય નહીં.

ગુજરાત હાઇકોર્ટમાં શહેરમાં ખરાબ રસ્તા, ટ્રાફિક સમસ્યા અને રખડતાં ઢોરની સમસ્યાઓ અંગે કન્ટેમ્પ્ટ અરજી પર સુનાવણી ચાલી રહી છે. એમાં ગત સુનાવણીમાં રોંગ સાઇડમાં આવતા વાહનચાલકો સામે પગલાં લેવા હુકમ કરવામાં આવ્યા બાદ અમદાવાદ પોલીસ ડ્રાઇવ યોજી રહી છે.  હાઇકોર્ટની કાર કેમેરામાં કેદ થઈ જતા હાઇકોર્ટે કહ્યું હતું કે, ગાડીના ડ્રાઈવર બેદરકાર હતા. સરકારી વકીલે કહ્યું હતું કે, હાઈકોર્ટ SG હાઈવે 2 ટ્રાફિક-પોલીસ મથકના કાર્યક્ષેત્રમાં આવે છે. હાજર પોલીસકર્મચારી કાર્યવાહી માટે ખચકાટ અનુભવતા હતા, જોકે જજે કહ્યું હતું કે, તેમનો ડ્રાઈવર હોય તોપણ બક્ષવામાં નહિ આવે, જો એવું હોત તો પહેલી FIR જજ જાતે કરાવતા. આવા દાખલા ખરાબ ઇમ્પ્રેશન ઊભી કરે છે.

સરકારી વકીલે કહ્યું હતું કે, હવે લોકો ડરતા થયા છે કે રોંગ સાઇડમાં જઈશું તો પકડાઈ જઈશું. રોંગ સાઇડમાં આવતા વાહનચાલકો સામે FIR રજિસ્ટર્ડ કરવા 04 કલાક લાગે છે, કેમ કે વાહન અને વાહનચાલકને પોલીસ મથકે લઈ જવાં પડે છે. જો FIR કરવા એક કલાક લાગે તોપણ એ વધુ સમય કહેવાય. લોકોમાં જાગરૂકતા પણ જરૂરી છે. વ્હીકલ જપ્તી માટે અમુક અધિકારીઓને ઓથોરરાઇઝ કરવાનું વિચારાઈ રહ્યું છે. JCP ટ્રાફિક છેલ્લા 04 દિવસથી ટીમ સાથે શાળાએ જાય છે અને બાળકોને માતાપિતાને અકસ્માતની ગંભીરતા વિશે જણાવે છે.

બાળકો માતા-પિતાને કહે કે, અકસ્માતથી તેઓ તેમને ગુમાવી શકે છે. હાઇકોર્ટે કહ્યું હતું કે, સ્વચ્છ શહેર પછી સેફ સિટી બનાવવું છે, જ્યાં અકસ્માતો હોય નહીં. સરકારી વકીલે કહ્યું હતું કે, સાપુતારામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી, જ્યાં ડાયરેક્ટર ઓફ પોલીસે કહ્યું હતું કે, સેફ રોડ અને રોંગ સાઇડ પર ભાર મૂક્યો હતો. સરકારી વકીલે કહ્યું હતું કે, રોડ ઉપર જેટલા કટ વધુ હોય ત્યાંથી લોકો રોંગ સાઈડમાં વધુ આવે છે. જજીસ બંગલો રોડ ઉપર માત્ર બે કટ, એટલે રોંગ સાઇડ ડ્રાઇવ ઓછું છે, જોકે અરજદારે કહ્યું હતું કે, પણ ત્યાં અનધિકૃત પાર્કિંગ વધુ થાય છે. સરકારી વકીલે આવતા બુધવારે નક્કર પગલાં સાથે રિપોર્ટ રજૂ કરશે. અમદાવાદ બાદ રાજ્યના અન્ય ભાગોમાં પણ ટ્રાફિક નિયમોનું પાલન કરાવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *