મીરા રોડમાં બનાવટી પરવાનગીઓનો ઉપયોગ કરી ફ્લેટ વેચનાર બિલ્ડરની અટક મુંબઈ પ્રતિનિધી

Latest News અપરાધ આરોગ્ય કાયદો

મીરા રોડમાં બનાવટી પરવાનગીઓની આધારે બાંધકામ કરાયેલા ફ્લૅટ્સ વેચી ખરીદદારો સાથે કરોડો રૂપિયાની કથિત છેતરપિંડી કરવાના આરોપસર પોલીસે નામચીન બિલ્ડર તેમજ રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટરની ધરપકડ કરી હતી.

ઓસવાલ બિલ્ડર્સ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર ઉમરાવ સિંહ પૃથ્વીરાજ ઓસવાલ વિરુદ્ધ બનાવટી સુધારિત બાંધકામ પરવાનગીઓ અને નકશા તૈયાર કરીને તે સાચા દસ્તાવેજો તરીકે રજૂ કરવાનો આરોપ છે.

બનાવટી મંજૂરીઓનો ઉપયોગ કરીને મીરા રોડમાં ઓસવાલ પેરેડાઈસ બિલ્ડિંગ નંબર-૬ માં મંજૂર કરાયેલા ફ્લૅટ્સ કરતાં વધુ ફ્લૅટ્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પછી આ વાતથી અજાણ ખરીદદારોને ફ્લૅટ્સ વેચીને કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા હતા.
આ બાબતે મીરા રોડના નયાનગર પોલીસ સ્ટેશનમાં ૧૬ મેના રોજ છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેની તપાસ આર્થિક ગુના શાખાને સોંપાઈ હતી.

આર્થિક ગુના શાખાની તપાસમાં આ છેતરપિંડીની પ્રવૃત્તિમાં ઓસવાલની સીધી સંડોવણી હોવાનું જણાયું હતું. પોલીસની ટીમ શનિવારે મીરા રોડમાં ઓસવાલના નિવાસસ્થાને પહોંચી ત્યારે તેણે છટકી જવાનો પ્રયાસ કર્યો હતો. પીછો કરીને અમુક જ અંતરે પકડી પાડવામાં આવેલા ઓસવાલને આર્થિક ગુના શાખાને સોંપાયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ઓસવાલ વિરુદ્ધ નવઘર, મીરા રોડ, નયાનગર અને કાશીમીરા સહિત વિવિધ પોલીસ સ્ટેશનોમાં ૧૩ ગુના નોંધાયેલા છે. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *