કચ્છ પર એક જ લેખકનું સતત ચોથું પુસ્તક
કચ્છના લોકપ્રિય પોલીસ અફસર દિલીપ અગ્રાવતના જીવન-કવન પર જાણીતા સાહિત્યકાર-પત્રકાર પ્રફુલ શાહ લિખિત ડૉક્યુ-નોવલ ‘સરહદનો સુપરકોપ’નું વિમોચન છઠ્ઠી ડિસેમ્બરે શ્રી. એ. કે. સિંહ – આઈપીએસ (નિવૃત ડીજીપી, ગુજરાત ) કરશે.
અમદાવાદના ઇસ્કોન રોડ સ્થિત કલા સ્મૃતિ
ખાતે નવભારત સાહિત્ય મંદિર દ્વારા શનિવાર તા. છ ડિસેમ્બરે આયોજિત વિમોચન સમારંભમાં પીઢ પત્રકાર, માજી તંત્રી અને ‘કચ્છ ફાઇલ’ના નાયક શ્રી. વિપુલ એન. વૈધ કથા-નાયક-લેખકનો પરિચય કરાવશે, તો હિંદી-ગુજરાતી-મરાઠી ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક શ્રી. જયંત ગિલાટર મુખ્ય અતિથિ અને મુબઈના ગુજરાતી પત્રકારથી અમેરિકાના સફળ વેપારી તરીકેની મજલ કાપનારા શ્રી. વિજય કોટક અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
કચ્છ ઉપરાંત સુરત-ભરુચ સહિતના ગુજરાતના શહેરોમાં જાંબાઝ પોલીસ અધિકારી દિલીપ અગ્રાવત ૩૪ વર્ષની કારકિર્દીમાં કચ્છમાં વર્દીધારી દંતકથા બની ચુક્યા છે. ૩૪માથી વર્ષની ઝળહળતી કેરિયર બાદ ડીવાયએસપી તરીકે નિવ્રૃત થયા અગાઉ વીસેક વર્ષ સુધી તેમણે કચ્છમાં ફરજ બજાવી હતી. તેમણે દુર્ગમ, જોખમી જિલ્લા કચ્છની સજારૂપ પણ અન્યાયી બદલીને પ્રેમપૂર્વક સ્વીકારી. એટલું જ નહિ સજાને સાહસ, નિષ્ઠા, કુનેહ ને કસબથી તકમાં ફેરવીને સવાયા કચ્છી બન્યા હતા.
લોકપ્રિય લેખક અને પીઢ પત્રકાર શાહે
આ ડોક્યુ નોવલમાં આવરી લીધેલાં કિસ્સામાં એકલા હાથે માત્ર એક સરકારી રીવોલ્વર સાથે સાત- સાત પાકિસ્તાનીને આરડીએક્સ અને હથિયારોના ઝખીરા સાથે પકડવા, જૈશના સૌથી પહેલા ટ્રેઇન્ડ આતંકવાદી શાહનવાઝ ભટ્ટીને જેલ ભેગો કરવા, વેશપલટો સાથે ભારે જોખમ ઉઠાવીને ગેરકાયદે ચાલતા શસ્ત્રોના ધંધાને પર્દાફાશ કરવા, ફક્ત એક પાકિસ્તાની ઊંટને આધારે ૭-૮ મહિનાની જહેમત બાદ આતંકવાદી કાવતરું નાકામ બનાવવા, પાકિસ્તાન દ્વારા વાયા દુબઇ ભારતમાં કરોડોની બનાવટી ચલણી નોટ ઘુસાડવાની નેટવર્ક તોડી પાડવા, જીવના જોખમે રણમાં લાંબી રઝળપાટ બાદ પાકિસ્તાની આતંકવાદીઓએ સંતાડેલી વિસ્ફોટક સામગ્રી શોધી કાઢવા, કચ્છના પહેલા સહિત ત્રણ સનસનાટીભર્યા પોલીસ એન્કાઉન્ટર કરવા, કુલ ૭૯ કિલોગ્રામ આર. ડી. એક્સ. ઝડપવાનો વિક્રમ કરવા, ૬૩ પિસ્તોલ-રિવોલ્વર, ૨૨ ગ્રેનેડ, ૨ એકે ૫૬ રાઈફલ, સેંકડો કારતુસ અને અન્ય વિસ્ફોટકોની જપ્તિ કરવા, ભારતમાં મોતનું તાંડવ ફેલાવવા આવેલા પાકિસ્તાનીઓને મોતની સજા અપાવવામાં સિંહફાળો આપવા, સરહદી જિલ્લા કચ્છમાં ગામે ગામના માણસો સાથે સંપર્ક રાખી બાતમીદારોનું નેટવર્ક ઉભું કરવા, ઝળહળતી, રોમાંચક તથા દિલધડક કારર્કીદી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક સહિતના અનેક સન્માન અને પ્રજાના પ્રેમ અને વિશ્વાસના હકદાર બનવા અને નરેન્દ્રભાઈ મોદીએ દ્વારા રાતોરાત અગ્રાવતની બદલી રદ કરાવવા સહિતની દિલધડક બાબતો રોમાંચક રીતે આવરી લેવાઇ છે.
ચાર ભાષામાં ૫૦થી વધુ પુસ્તકો આપી ચુકેલા એવોર્ડ વિજેતા પીઢ પત્રકાર, લોકપ્રિય નવલકથાકાર, કોલમિસ્ટ અને ફિલ્મ – ડ્રામા-ટીવી ને વેબ કન્ટેન્ટ લેખક પ્રફુલ શાહનું ‘સરહદનો સુપરકોપ’ કચ્છ આધારિત ચોથું પુસ્તક છે. આ અગાઉ તેમણે નવલકથા ‘લવ યુ કચ્છ’, માજી તંત્રી અને વરિષ્ઠ પત્રકાર વિપુલ એન. વૈધ પર ડૉક્યુ-નોવલ ‘કચ્છ ફાઇલ’ (અંગ્રેજીમાં એવોર્ડ વિજેતા ‘કેકટ્સ ક્રાઈમ’) અને ગાંધીધામના દિનેશ કલવાની
‘લાઇફ આઇએમપોસિબલ’ ( ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં) લખી હતી.

