રાજકોટ વૈદવાડી શેરી નં 01 રાઠોડ એન્જીનીયરીંગ વર્કસના બિલ્ડીંગમાં શેડ નં 3 માં સીમ્પલેક્ષ મશીનરી સીસ્ટમ નામથી ગોડાઉનમાં અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતા અને લોખંડની મશીનરીના પાર્ટ અને રો મટીરીયલના સામાન સહિત રૂ.3.55 લાખ મતાની ચોરી કરી ગયાની માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે 150 ફુટ રીંગરોડ સીલ્વર સ્ટોન મે .રોડ બ્લોક નં 79 માં રહેતા અક્ષયભાઇ ગીરીશભાઈ રાઠોડ (ઉ.વ.32)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ વૈદવાડી શેરી નં 01 માં રાઠોડ એન્જીનીયરીંગ વર્કસના બિલ્ડીંગમાં શેડ નં.3 માં સીમ્પલેક્ષ મશીનરી સીસ્ટમ નામથી ગોડાઉન રાખી હાઇડ્રોલીક પ્રેશ મશીન બનાવવાનુ કામકાજ કરે છે. આ ગોડાઉનમાં તેઓ અને તેમના કાકા રજનીકાંતભાઇ રાઠોડ બંન્ને જણા ભાગીદારીમાં વેપાર કરે છે.
ગઇ તા.20/07/25 ના સાંજના ચારેક વાગ્યાની આસપાસ તેમના પીત્તરાઇ ભાઇ જીગ્નેશભાઇ રાઠોડનો ફોન આવેલ કે, તમારી ગોડાઉનના દરવાજા વળી ગયેલ છે અને ઉપરની છત તોડેલ છે.
જેથી તેઓ તેમના પિતા સાથે તુરંત જ ગોડાઉને દોડી ગયા હતા, અને ત્યાં જઇ તાળુ ખોલી ગોડાઉનમાં જોતા હાઇડ્રોલીક વાલ્વ પંપ નંગ-07 રૂ. 53 હજાર, હાઇડ્રોલીક બ્લોક નંગ 07 રૂ.17500, સીયરીંગ મશીનની બ્લેડ નંગ 05 રૂ.1.10 લાખ, લોખંડની પાઇપ 25 નંગ રૂ.1.75 લાખ જે તમામ મુદામાલ મળી કુલ રૂ.3.55 લાખની મતાની ચોરી કરી હોવાની ફરિયાદ માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
વધુમાં ફરીયાદીનાં કહેવા મુજબ, સામેના ગોડાઉનમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતાં રિક્ષામાં પાંચેક શખ્સો ચોરી કરી જતાં હોય તેવું જોવા મળ્યું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ આદરી હતી.
બનાવ અંગે શહેર પોલીસ કમીશ્નર બ્રજેશ કુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, ઈન્ચા એસીપી રાધીકા ભારાઇ દ્વારા ગુન્હાના કામે તસ્કરોને ત્વરીત પકડી પાડી ગુન્હો ડીટેકટ કરવાની આપવામાં આવેલ સુચનાથી માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર.દેસાઇના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ.
જેમાં સીસીટીવી ચેક કરવા તેમજ જાણીતા ગુન્હેગારોને ચેક કરવાની કામગીરી ચાલુ હતી તે દરમ્યાન કોમ્બીંગ નાઇટ રાઉન્ડ દરમ્યાન પીએસઆઇ એમ.જે.ધાધલ તથા ટીમના માણસોને સયુંકત રીતે ખાનગી બાતમી મળેલ કે, વૈદવાડી શેરી નંબર- 1 કારખાના ગોડાઉનમાં લોખંડના રો-મટીરીયલ્સના સર સામાનની ચોરી કરવા વાળા શખ્સો સ્વામી વિવેકાનંદ મવડી ઓવર બ્રીજ નીચે પાર્કિંગમા રેલ્વેના પાટાની સામે બેસી ચોરી કરેલ લોખંડના રો મટીરીયલ્સનો સર સામાન સગે-વગે કરી રહયા છે.
જે બાતમીના આધારે ટીમે સ્વામી વિવેકાનંદ મવડી ઓવર બ્રીજ નીચે પાર્કિંગમાંથી કુલદિપ ઉર્ફે રોહન સુનિલ સોલંકી (ઉવ.22, રહે. દેરડી કુંભાજી ગામ રાજબાઇ માતાજીના મંદિર પાસે દેવીપુજક વાસ મફતીયાપરા,અમરેલી), સની અરવીંદ સોલંકી (ઉવ.21, રહે.દેરડી કુંભાજી ગામ રાજબાઇપરા પાછળ મફતીયાપરા, અમરેલી) અને સગીરને દબોચી લઈ લોખંડના રો મટીરીયલ રૂપિયા 3.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.
જ્યારે ચોરીના ગુનામાં આરોપી સનિ ઉર્ફે પીશુ જગુભાઇ ચારોલીયા (રહે. રાજકોટ ચારબાઇ આવાસ યોજના કર્વાટર) પોલીસ પકડથી દૂર રહેતાં તેની શોધખોળ યથાવત રાખી છે.
ચોરીનો ગુનો ડિટેકટ કરવાં માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર.દેસાઈની રાહબરીમાં પીએસઆઇ એમ.જે.ધાધલ, એએસઆઈ હિરેન પરમાર, કેતન શેખલીયા, હેડ કોન્સ્ટેબલ અજય વિકમા, ચિત્રકેતુસિંહ ઝાલા, કોન્સ્ટેબલ મનીષ સોઢીયા, ભાવેશ ગઢવી, મયુરદાન બાટી અને જયદીપસિંહ ભટ્ટીએ કામગીરી કરેલ હતી.

