અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ) ના રાષ્ટ્રીય મંત્રી શ્રી શંકર ઠક્કરે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં પામ તેલની તુલનામાં સોયા તેલના ભાવ આકર્ષક બનતા ભારતના ખાદ્ય તેલ આયાતના સમીકરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી આયાત ટોકરીમાં મુખ્ય ભૂમિકા ભજવતું પામ તેલ હવે પોતાની જગ્યા જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, જ્યારે સોયાબીન અને સુર્યમુખી તેલનો હિસ્સો ઝડપથી વધી રહ્યો છે.
આ ફેરફાર સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય બજાર અને વૈશ્વિક સપ્લાયની પરિસ્થિતિઓથી પ્રેરિત છે. પામ તેલની આયાત છેલ્લા કેટલાક વર્ષોથી 70 થી 80 લાખ ટન આસપાસ સ્થિર છે.
જ્યારે સોયાબીન તેલની આયાત 35 લાખ ટનથી વધીને લગભગ 50 લાખ ટન અને સુર્યમુખી તેલની આયાત 25 લાખ ટનથી વધીને લગભગ 35 લાખ ટન સુધી પહોંચી ગઈ છે. આ પ્રવૃત્તિ પાછળનો મુખ્ય કારણ વૈશ્વિક કિંમતો અને સપ્લાયમાં થયેલા ઉતાર-ચઢાવ છે.
ઇન્ડોનેશિયા અને મલેશિયામાં બાયોડીઝલ નીતિ અને હવામાન સંબંધિત પરિસ્થિતિઓને કારણે પામ તેલની સપ્લાય મર્યાદિત રહી છે, જેના કારણે તેની કિંમતો ઊંચી છે. તેની સામે સોયાબીન અને સુર્યમુખી તેલ દક્ષિણ અમેરિકા અને બ્લેક સી વિસ્તાર જેવા વિવિધ સ્ત્રોતોથી આયાત થતા હોવાથી ભારતીય બજારને વધુ લવચીકતા પૂરી પાડી રહ્યા છે.
પ્રભાવિત કરનાર એક અન્ય મુદ્દો નેપાળથી આવતું ડ્યુટી-ફ્રી રિફાઇન્ડ સોયાબીન તેલ છે, જે સાફટા અને ભારત-નેપાળ વેપાર સંધિ હેઠળ બિનશુલ્ક ભારતમાં આવી રહ્યું છે. આથી જ્યાં પ્રાદેશિક વેપારને પ્રોત્સાહન મળ્યું છે, ત્યાં સ્થાનિક રિફાઇનિંગ ઉદ્યોગને નુકસાન પહોંચી રહ્યું છે. ડ્યુટી-ફ્રી આવતું રિફાઇન્ડ તેલ ભારતીય રિફાઇનરીઓની ક્ષમતા ઉપયોગદર ઘટાડે છે અને તેમના નફાના માજિન્સ પર દબાણ લાવે છે. તેનો પ્રભાવ ભારતમાં રોજગાર પર પણ પડી રહ્યો છે.
ગ્રાહકોના ખાદ્ય તેલના ઉપયોગમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. શહેરી પરિવારો અને બ્રાન્ડેડ ઉત્પાદકો હવે ‘સોફ્ટ’ અને મિશ્રિત તેલોને વધુ પસંદ કરી રહ્યા છે. આરોગ્ય જાગૃતિ, સ્વાદ અને માર્કેટિંગ અભિયાનોએ આ વલણને વધુ મજબૂત બનાવ્યું છે. તેના પરિણામે ભારતના ખાદ્ય તેલના વપરાશ અને સપ્લાયની રચનામાં ધીમે ધીમે વૈવિધ્ય વધી રહ્યું છે.
*શંકર ઠક્કરે આગળ જણાવ્યું કે ભારત ખાદ્ય તેલના મામલે અન્ય દેશો પર આધારિત છે. ભારતની કુલ ખપતમાંથી આશરે 60 થી 65% ભાગ અન્ય દેશોથી આયાત કરવો પડે છે. તેથી ભારતનો ખાદ્ય તેલ ક્ષેત્ર હંમેશાં વૈશ્વિક પરિવર્તનોને અનુરૂપ પોતાને ઢાળતું આવ્યું છે. હાલનો ફેરફાર પણ એ જ પ્રક્રિયાનો એક ભાગ છે. આ કોઈ આયોજનબદ્ધ પરિવર્તન નથી, પરંતુ ભાવ, નીતિઓ અને સપ્લાયના તફાવતનું પરિણામ છે. હવે પડકાર એ છે કે આ પરિવર્તનને વ્યૂહમાં ફેરવી દેશના સ્થાનિક મૂલ્યવર્ધન, રોજગાર અને દીર્ઘકાળીન સ્થિરતા સુનિશ્ચિત કરી શકાય

