સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસનો અંતિમ અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં, અભિનેત્રી રિયા ચક્રવર્તી અને અન્ય આરોપીઓને ‘ક્લીન ચીટ’ આપવામાં આવી છે. અહેવાલમાં તારણ કાઢવામાં આવ્યું છે કે ગેરકાયદેસર અટકાયત, આત્મહત્યા માટે ઉશ્કેરણી અથવા ચોરીના આરોપોને સમર્થન આપવા માટે તપાસમાં કોઈ પુરાવા મળ્યા નથી. સુશાંતના પરિવારે આ અહેવાલ પર નારાજગી વ્યક્ત કરી છે અને કોર્ટમાં અપીલ કરવાનો નિર્ણય લીધો છે.
સુશાંત સિંહ રાજપૂત ૧૪ જૂન, ૨૦૨૦ ના રોજ તેના બાંદ્રા ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. રાજપૂતના પરિવારે રિયા ચક્રવર્તી અને તેના સહયોગીઓ સામે વિવિધ આરોપો લગાવ્યા હતા. સીબીઆઈએ સ્પષ્ટપણે તારણ કાઢ્યું છે કે ગેરકાયદેસર અટકાયત, આત્મહત્યા માટે ઉશ્કેરણી અથવા મિલકતની ચોરીના આરોપો અંગે તપાસમાં કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.
પરિવારે આરોપ લગાવ્યો હતો કે રિયાએ સુશાંતને ધમકી આપી હતી. રિપોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ ડિજિટલ કે અન્ય રેકોર્ડમાં આવી ધમકીના કોઈ પુરાવા મળ્યા નથી. આ ઉપરાંત, સીબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે સુશાંત જપુતના મૃત્યુ સાથે સંબંધિત કોઈપણ આરોપી વ્યક્તિ દ્વારા આત્મહત્યા માટે ઉશ્કેરવાના કોઈ પુરાવા મળ્યા નથી. સીબીઆઈએ એમ પણ કહ્યું છે કે સુશાંતની મિલકતનો દુરુપયોગ કરવાનો કે સુશાંતને ગેરકાયદેસર અટકાયતમાં રાખવાનો કોઈ પુરાવો નથી. પટના કોર્ટ ૨૦ ડિસેમ્બરે અંતિમ રિપોર્ટ સાંભળશે.
સુશાંતનો પરિવાર સીબીઆઈ દ્વારા કાઢવામાં આવેલા નિષ્કર્ષ સાથે સંપૂર્ણપણે અસંમત છે. આ રિપોર્ટ એક તમાશો છે. જો સીબીઆઈ ખરેખર સત્ય જાહેર કરવા માંગતી હોત, તો તેણે બધા પુરાવા, ચેટ રેકોર્ડ, ટેકનિકલ વિગતો, સાક્ષીઓના નિવેદનો અને મેડિકલ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યા હોત. આ તપાસ અધૂરી અને નબળી છે. અમે આ રિપોર્ટ સામે કોર્ટમાં અરજી દાખલ કરીશું, એમ સુશાંતના પરિવારના વકીલ વરુણ સિંહે જણાવ્યું હતું.

