મુંબઈના ુપનગર દહિસર વિસ્તારમાં એસ. વી રોડ નજીક આવેલી ન્યૂ જનકલ્યાણ સોસાયટીમાં રવિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા, જેમાં ૮૦ વર્ષની એક મહિલાનું દાઝી જવાથી મોત થયું હતું. ઉપરાંત, બે અન્ય લોકોની હાલત ગંભીર છે. રેસ્કયુ ઓફરેશન દરમ્યાન તમામ લોકોને બહાર કાઢીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
રવિવારે બપોરે શાંતિનગરમાં આવેલી ૨૨ માળની ન્યૂ જનકલ્યાણ સોસાયટીમા આગ લાગી હતી. આગ ઝડપથી ઈલેક્ટ્રિક ડક્ટમાંથી ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિક કેબલમાં ફેલાઈ ગઈ હતી. આગને કારણે ઝડપભેર ઉપરના માળા પર ધુમાડો ફેલાઈ જતા અનેક રહેવાસીઓ ઉપરના માળા પર ફસાઈ ગયા હતા.આગની જાણ થતા જ મુંબઈ ફાયરબ્રિગેડ દ્રારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી ફાયર ફાઇટરોએ આગમાં ઇમારતના ૩૬ રહેવાસીઓને બચાવ્યા હતા. ઘાયલોમાંથી રોહિત અને શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરાયેલા બે લોકોની હાલત ગંભીર છે. અથાક પ્રયાસો પછી, ફાયર બ્રિગેડના કર્મચારીઓએ સાંજે ૬.૧૦ વાગ્યે આગ પર કાબુ મેળવ્યો. ફાયર બ્રિગેડ દ્વારા આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડે તમામ રહેવાસીઓને બહાર કાઢયા હતા. ધુમાડો તેમના શ્ર્વાસમાં જવાને કારણે લગભગ ૧૯ રહેવાસીઓને શ્ર્વાસ લેવામાં તકલીફ થતા તેમને જુદી જુદી હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા,જેમાં ઉપરના માળા પર રહેતા ૮૦ વર્ષની સિનિયર સિટિઝન મહિલાનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ શ્ર્વાસમાં ધુમાડો જવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. તો અન્ય પાંચથી છ લોકો ગંભીર હાલતમાં જુદી જુદી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

