વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે જીએસટીમાં વ્યાપક સુધારાની જાહેરાત કરી હતી અને જીએસટી પરિષદે બુધવારે આ સુધારાઓને મંજૂરી આપી દીધી છે ત્યારે પરિષદના નિર્ણયને આવકારતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વૈશ્વિક સ્થિતિમાં ભારતને યોગ્ય સ્થાન અપાવવું હોય તો સમય સાથે પરિવર્તન જરૂરી છે. વધુમાં જીએસટીમાં સુધારાથી સૌથી વધુ લાભ મહિલાઓને એટલે કે માતૃશક્તિને થવાનો હોવાથી માતૃશક્તિના પર્વ નવરાત્રીના પહેલા નોરતાથી જ જીએસટીમાં સુધારાનો અમલ કરવાનો નિર્ણય લેવાયો છે.
જીએસટીમાં સુધારા અંગે પરિષદના નિર્ણયના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, સમય પર ફેરફાર વિના આપણે આપણા દેશને આજની વૈશ્વિક સ્થિતિમાં તેનું યોગ્ય સ્થાન અપાવી શકીશું નહીં. મેં આ વર્ષે ૧૫ ઑગસ્ટે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, ભારતને આત્મ-નિર્ભર બનાવવા માટે આગામી પેઢીના સુધારા કરવા અત્યંત જરૂરી છે. મેં દેશવાસીઓને વચન આપ્યું હતું કે, આ દિવાળી અને છઠ પૂજા પહેલા ખુશીઓનો બેવડો ઉત્સવ ઉજવાશે.
તેમણે ઉમેર્યું કે, હવે જીએસટી વધુ સરળ થઈ ગયો છે. ૨૨ સપ્ટેમ્બરે નવરાત્રીનું પહેલું નોરતું છે. આગામી પેઢીના સુધારા પણ આ જ દિવસથી લાગુ થઈ જશે. આ સુધારાથી સૌથી વધુ લાભ મહિલાઓને થશે. આ કારણથી જ માતૃશક્તિના પર્વમાં જ નવા સુધારાનો અમલ કરવાનો નિર્ણય લેવાયો છે. તેમણે ઉમેર્યું કે, આ સુધારથી ધનતેરસની ઊજવણી વધુ ઉલ્લાસપૂર્ણ બની જશે, કારણ કે સામાન્ય જનતા માટે ઉપયોગી અનેક વસ્તુઓ પરનો ટેક્સ ખૂબ જ ઘટી ગયો છે. આઠ વર્ષ પહેલા જીએસટી લાગુ થયો ત્યારે અનેક દાયકાઓનું સપનું સાકાર થયું હતું. આ આઝાદ ભારતના સૌથી મોટા આર્થિક સુધારામાંથી એક હતું.
તેમણે ઉમેર્યું કે, જીએસટીમાં સુધારાથી ભારતના શાનદાર અર્થતંત્રમાં પંચરત્ન જોડાયા છે. પહેલું કર વ્યવસ્થા પહેલા કરતાં ઘણી વધુ સરળ થઈ, બીજું ભારતના નાગરિકોના જીવન ધોરણમાં સુધરશે, ત્રીજું વપરાશ અને વિકાસ બંનેને નવો બુસ્ટર ડોઝ મળશે, ચોથું વેપાર સરળ થશે, સાથે રોકાણ અને નોકરીઓ વધશે. પાંચમું વિકસિત ભારત માટે સંઘવાદ વધુ મજબૂત થશે.
વડાપ્રધાને કહ્યું કે, ૨૧મી સદીમાં આગળ વધતા ભારતમાં જીએસટીમાં પણ નેક્સ્ટ જનરેશન રિફોર્મ કરાયા છે. જીએસટી ૨.૦ દેશ માટે સપોર્ટ અને ગ્રોથનો ડબલ ડોઝ છે. નવા જીએસટી સુધારાથી દેશના દરેક પરિવારને ખૂબ જ મોટો લાભ થશે. ગરીબ, નીચલા મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગની મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો, નવયુવાનો બધાને જીએસટીમાં સુધારાનો લાભ મળશે. યુવાનો માટે ફિટનેસ ક્ષેત્રમાં જિમ, સલૂન, યોગ જેવી સેવાઓ પર જીએસટી ઘટાડવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું કે, અગાઉની સરકારોમાં સામાનો પર જંગી માત્રામાં ટેક્સ વસૂલાતો હતો. ૨૦૧૪માં મારા આવતા પહેલાં રસોઈનો સામાન હોય કે ખેતીનો સામાન, દવા હોય કે જીવન વીમો બધા પર કોંગ્રેસ સરકાર અલગ અલગ ટેક્સ વસૂલતી હતી. તેના જેવો જ સમય હોત તો આજે તમે ૧૦૦ રૂપિયાની કોઈ વસ્તુ ખરીદતા હોત તો ૨૦-૨૫ રૂપિયા ટેક્સ આપવો પડતો હોત. કોઈ ભૂલી શકે તેમ નથી કે કોંગ્રેસ સરકારે જનતાનું માસિક બજેટ કેવી રીતે વધાર્યું હતું. તેઓ બાળકોની ટોફીઓ પર પણ ૨૧ ટકા ટેક્સ લગાવતા હતા, મોદીએ આમ કર્યું હોત તો તેઓ મારા પર તૂટી પડયા હોત.

